પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ્યાં ઘરે આવે ત્યાં તો,
ભાયડો દરબારમાં રિયો છે,
દીકરો દુકાને રિયો છે,
વહુ પી'ર રહી છે,
દીકરી સાસરે રહી છે,
ગા ગોંદરે રહી છે,
ભેંસ સીમમાં રહી છે,
ઘૂમતું વલોણું મટી ગ્યું,
ઝૂલતું પારણું મટી ગ્યું,
લાલ ટીલી મટી ગઈ,
કાખમાં ગગો મટી ગ્યો,
વાડ્યે વછેરા મટી ગ્યા,
પરોળે પાડા મટી ગ્યા,
ગોર્ય માના શરાપ લાગ્યા.

"બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?"

હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય
અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય,
નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય.
ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.
ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ

એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.

સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,
ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.
"માતાજી; મારો અપરાધ માફ કરો.
છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.
મોભનાં પાણી નેવે ઊતરે, નેવાનાં પાણી મોભે ચડે નહિ

ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો -

ધણી દરબારમાંથી આવ્યો છે,
દીકરો નિશાળેથી આવ્યો છે,
દીકરી સાસરેથી આવી છે,