પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં તો ગામનો રાજા યે ઘોડે ચડીને નીકળ્યો છે. છોકરાને જોયો છે. ઈ તો રાજાનો કુંવર ! ઈ તો તપેશરી ! એનું તો તાલકું જ તપતું હોય ને ! ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે.

છોકરો તો નદીએ જઈ ને બોલે છે :


કાચની ગાડલી !
કાચના બળદ !
પૂછડે પાણી !
પો ! પો !

રાજા તો વિસ્મે થઈ ગયો છે.

"એલા છોકરા, બીજી વાર બોલ તો !"

છોકરો ફરી વાર બોલ્યો છે :


કાચની ગાડલી !
કાચના બળદ !
પૂછડે પાણી !
પો ! પો !

"એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ ?"

"ત્યારે રાજાની રાણી સાવરણી-સૂંથિયાં કેમ જણે ?"

સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે.

"એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો ?"

"સુતારનો."

સુતારને તેડાવ્યો. પૂછ્યું કે "દીકરો કયાંથી ?"

"પીપળે દીધો."

પીપળાને પૂછ્યું, "તારી પાસે ક્યાંથી ?"

"ગા'એ દીધો."

ગાયને પૂછ્યું, "તારી પાસે ક્યાંથી ?"

"ધરોએ દીધો."

ધરોને પૂછ્યું, "તારી પાસે ક્યાંથી ?"

"સુયાણી મેલી ગઈ'તી."

બોલાવો રાંડ મૂંડી સુયાણીને ! બોલાવો છ યે રાણીઓને ! માથાં મૂંડી ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસારી ગામ બહાર કાઢી મેલો !