પૃષ્ઠ:Kankavati.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોકવ્રતો

આજ એક બીજી સંસ્કૃતિનું પાનું ઉકેલીએ. શિષ્ટ સંસ્કૃતિની સરિતાની સાથોસા ને પડખોપડખ છતાં નિરાળી ને નિરાળી ચાલી આવતી એ લોકસંસ્કૃતિની સરિતાને એક વિચિત્ર આરે આવીને આપણે ઊભા છીએ. આ કિનારો આપણે આજ સુધી દીઠો નથી આજે જે કાળે એ આખી નદીમાં વેગવંત બુરાણ શરૂ થઈ ગયું છે ને એ કિનારાની નિશાનીઓ લોપાવા લાગી છે તે વેળા વિલંબ આપણને પાલવતો નથી. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના એ બુરાઈ જતા મહાનદના આરાનું નામ છે “સ્ત્રીઓનાં વ્રત ને વ્રતની વાર્તાઓ'. શાસ્ત્ર અને પુરાણનાં વ્રતવિધિઓથી નિરાળી, લગભગ સ્વતંત્ર કલ્પનામાંથી જન્મેલી એ લોકવ્રતની સામગ્રીને આજ આપણો સમુદાય “ડોશીપુરાણ'ના અળખામણા નામથી ઓળખે છે અને એને તિરસ્કારી સુગાય છે, શિષ્ટ જનોએ સુગાઈને ફેંકી દીધેલી એ પાખંડવિદ્યા મનાય છે, છતાં લોકમાનસનો ઈતિહાસ ઉકેલવામાં તો અવિદ્યાનો પણ ઉપયોગ છે.

પ્રથમ તો સંસ્કૃતિની દૃષ્ટિએ એનાં મૂલ મૂલવવાં પડશે. કોઈ એક જનસંપ્રદાયને. ધાર્મિક ગોટાળામાં નાખનારા પાખંડ તરીકેની એની પિછાન ઘડીભર ભૂલી જઈએ: સમજી લઈએ કે માનવીને કેવળ એકેશ્વરવાદથી ચાલ્યું જ નથી. સમસ્ત માનવજાતિએ દેવસષ્ટિ કલ્પી છે, તેમ પોતાના વિકાસની અમુક કક્ષાએ ઊભીને લોકસમુદાયે પણ દેવતાઓના એક કુટુંબમંડળની સહાય લીધી. ગનિયંતા એ માનવીને બહુ આઘો જણાયો. પોતાના અંતર સુખદુઃખની, આશા-આકાંક્ષાની ને રાગદ્વેષની ગોઠડી સાંભળે અને મિટાવે તેવી કોઈ નેહવ્યથિત દેવ-સત્ત્વ એને જરૂરનું લાગ્યું. ને કોઈ બાલોચિત કવિત્વની પ્રેરણાપલે તદ્દન નવીન દેવમંડળી એણે સરજી લીધી.

લોકવ્રતોનાં દેવ-દેવીઓ

નિરીક્ષણ કરીએ. આર્ય સંસ્કૃતિનાં દેવ-દેવીઓનું ચિત્ર આપણે અવલોકી ગયા. હવે પાખંડમાં ફસાયેલા લોકસમાજની દેવ-દુનિયાને ઊંડાણે જઈ નીરખીએ, કેમ કે એ સર્જનમાં નીતિ, ચારિત્ર, શિયળ અને બલિદાનની અમુક લોકભાવના અંકિત થઈ છે. એણે ન કોઈ દેવને તદ્દન પુરાણમાંથી લીધો કે ન કોઈ વેદમાંથી ઉતાર્યો, પણ ઠીકઠીક સ્વયંભૂ કલ્પના કરી. એનાં દેવ-દેવી કોણ થઈ શક્યાં ?

1. જે કસોટી કરી, ડરાવી, છેવટે માનવીનાં પૈર્ય, પ્રેમ અને બલિદાનનો ઉચ્ચ બદલો આપે તે જુઓ ‘એવરતની કથા'.
2. જે નાની કન્યાઓના નિર્દોષ કૌટુમ્બિક કોડ પૂરા કરીને અંતરંગ બહેનપણીનું સ્થાન શોભાવે તે જુઓ ગોર્યમા'.