પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુનિવ્રત

વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે ? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે :

અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા !

કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે :

ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.


ગણાગોર


ચૈત્ર સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગોરનું વ્રત કરે. ગુણિયલ વરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે.

બા ઘ‌ઉંના લોટના સકરપારા કરી આપે. એ સકરપારાને ગમા કહેવાય. ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે, રૂનો નાગલિયો (હારડો) ચડાવે, કંકુ આલેખે, ને પછી ગાય :

ગૌર્ય ગૌર્ય માડી
ઉઘાડો કમાડી
પેલડા પો'રમાં ગોર મા પૂજાણાં
પૂજી તે અરજીને
પાછાં તે વળી વળી આવો રે ગૌર્ય મા !
ફરી કરું શણગારજી રે.

હે મા ગૌરી ! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું.