પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોત ને પોળી
વાટ ને ઘાટ
સામા મળિયા સહીના સાથ
સહી વળાવ્યાં સાસરે
મળિયાં મા ને બાપ
જળ નાયાં મળ વીસર્યાં
નાયાં ધોયાં તે પરમાણ
નાઈ ધોઈ નીસર્યા
ને પાપ સઘળાં વીસર્યાં
નાયાં ધોયાં આ કાંઠે
ને પાપ સઘળાં ઓલ્યે કાંઠે
આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું
કોડી કોઠીંબડું રાજ બેઠું
પાંચીકો પરમેશ્વર.

એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય :

સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે
કે વાણેલાં ભલે વાયાં રે.
સૂતા જાગો રે .....બાઈના કંથ
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે પાંભરિયું ને લોટા
કે વાણેલાં ભલે વાયાં રે.
દાતણ કરજો રે તુલસીને ક્યારે
કે વાણેલાં ભલે વાયાં રે.
મુખ લૂજો રે પાંભરિયુંને છેડે
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે સરી રામના નામ
કે વાણેલાં ભલે વાયાં રે.