પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહિ. તળાવમાં પાણી ભરાય નહિ. ગામલોકોને ગામનાં ઢોર, ગામનાં પશુ ને પંખી પાણી વિના દુઃખી થાય.

વે'વારિયે વાણિયે જોષી તેડાવ્યાં. જોષી ! જોષી ! જોષ જુઓ. નવાણે નીર કેમ કરી આવે ?

જોષીડો કે' કે બત્રીસો ચડાવ્ય.

કોણ બત્રીસો?

તારો દીકરો, દીકરાનો દીકરો.

વે'વારિયા વાણિયાને તો કંપારી વછૂટી. એક વરસ ગયું, બે વરસ ગયાં, ત્રણ ને ચાર વરસ ગયાં. વે'વારિયા વાણિયાનું તો હૈયું હાલે નહિ.

ચોથે વરસે દીકરાની વહુ પિયર ગઈ છે. ચાર વરસનો તો એનો દીકરો છે. વહુ દીકરાને દાદાજી કને રાખીને ગઈ છે.

રાત પડી. પરિયાણ કર્યાં. પેટી આણી. પેટીમાં તો દીકરાને પોઢાડ્યો છે. સુખડી ભરીને થાળ પણ જોડે મૂક્યો છે. માંહી ઘીનો બળતો દીવો મૂક્યો છે.

પેટી લઈ જઈને તળાવમાં દાટી છે. દાટી કરીને પાછાં વળે તો ત્યાં તો આભ તૂટી પડે છે. ગા઼જવીજ ને કડાકા થાય છે. અનરાધાર મે વરસે છે. વે'વારિયા વાણિયાનું તળાવ તો ચારેય કાંઠે છલકી હાલ્યું છે.

સવાર પડી છે. ગામલોક તો હલક્યું છે. હાલો, ભાઇ, હાલો ! વે'વારિયા વાણિયાનું તળાવ હલક્યું. હાલો હાલો; ના'વા હાલો.

ગામેગામ વાવડ થયા છે. વે'વારિયા વાણિયાનું તળાવ છલ્યું છે.

વહુનેય પિયરમાં જાણ થઈ છે. બાઈ બાઈ, તારા સાસરાનું તળાવ ભરાણું છે. લોક બધું ના'વા હલક્યું છે.

મારા સાસરાનું તળાવ છલ્યું ? હુંય તો તો ના'વા જાઉં છું. બાઇએ તો દોટ દીધી છે. તળાવની પાસે પહોંચી છે. લોક તો ક્યાંય માતું નથી. ખસો, ખસો, મને ના'વાનો મારગ આપો. મારા સાસરાનું તળાવ ભરાણું છે.

એલા ભાઈ ! તળાવમાં એક પેટી તરતી આવે છે !

એક કહે કે એ પેટી મેં દીઠી, એટલે એ મારી છે. બીજો કહે કે મારી છે. સહુ કહે કે અમારી છે. વહુ કહે, ખસો ખસો, એ પેટી તો મારી કહેવાય. એ તો મારા સાસરાનાં તળાવમાંથી નીકળી છે.

એલા ભાઈ, કોઈની નહિ. તરતી તરતી જેની પાસે આવે તેની એ પેટી !

સાચું, ભાઈ, સાચું.

પેટી તો તરતી તરતી વહુની પાસે આવે છે. પેટી તો વહુની, પેટી તો વહુની !

વહુએ તો પેટી ઉઘાડી છે. માંય તો દીકરો બેઠો છે. સુખડીનો થાળ પડ્યો છે. ઘીનો દીવો બળે છે.