પૃષ્ઠ:Kankavati.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીકરો તો હડફાં ખૂંદીને ઉઠ્યો છે. માને ગળે તો બાઝી પડ્યો છે.

દીકરા, દીકરા ! તું આમાં ક્યાંથી ?

મા મા, મને આમાં દાદાએ સુવાડ્યો'તો. એ પછીની મને ખબર નથી.

વહુ તો દીકરાને લઈને હરખે ભરી ઘેરે જાય છે. બારણાં તો માલીપાથી બંધ કરેલાં છે.

અરે બાઈજી ! બારણાં બંધ કરીને કાં બેઠાં છો ? આપણું તો તળાવ ભરાણું છે. મનખો તો ના'વા મળ્યો છે. ને તમે કેમ બારણાં બંધ કરી બેઠાં છો ? ઉઘાડો રે ઉઘાડો.

ઘરમાં તો સૌ સૂનમૂન છે. વહુ આવી, તેને શો જવાબ દેશું ? એના દીકરાની તો આપણે હત્યા કરી છે.

ઉઘાડો, બાઈજી, ઉઘાડો ! ઉઘાડો, સસરાજી, ઉઘાડો !

ઘરમાં નાની દીકરી હતી. દીકરી દીકરી, તરડમાંથી જોઈ તો આવ, બેટા ! વહુ છે કે કોણ છે ?

દીકરી તો જોઈ આવી છે. મા, દાદા, ભાભી આવી છે, ને ભેળો છોકરો ય ઊભો છે.

વિસ્મે થઈને બારણું ઉઘાડે છે. વહુને છોકરો બેય દેખ્યાં છે, વે'વારિયા વાણિયાની તો આંખમાંથી આંસુની ધાર થઈ છે.

વહુ, દીકરી ! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં'તાં, પણ તારા સત તે તળાવ ભરાણું તારાં સત તે દીકરો જીવ્યો.

વહુને તો વે'વારિયો વાણિયો પગે પડ્યો છે.

ભે-બારશ રે'નારી સ્ત્રીઓ જમી કરીને આ વાર્તા કહે છે.


જીકાળિયો

[પુરુષોત્તમ માસની વાત]

રાજા અને રાણી હતાં. રાણી પુરષોત્તમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે'લેરી વે'લેરી આવીને નાઈ જાય.

શું બોલીને ના'ય?

એમ બોલીને ના'ય કે-

"અડધી ભીની અડધી કોરી
"મારે છે રાજાની ચોરી
"મારે એક પૂતર
"મારા પૂતરને એક સો ને આઠ પૂતર."

એમ કહીને વડલા માથે ચડી જાય.