પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાસીએ તો મેણાંની મારી રાણીને વાત કરી છે. કુંભારને રાણીએ દરબારમાં તેડાવ્યો છે ને હુકમ કર્યો છે, "જા, તને દેશવટો દઉં છું."

ઉચાળો ભરીને એ તો હાલ્યો છે. ભેળો જીકાળિયો છે, આઘેરાક ગયાં ત્યાં દહાડો આથમી ગયો છે. એક રાતમાં ત્યાં તો-

આળિયાં ને જાળિયાં!
કાચનાં કમાડિયાં!

એના બાપની મેડી હતી તેથી સવા હાથ ઊંચી મેડી: એક સો ને આઠ ઓરડા: જીકાળિયાનું તળાવ: એવું એવું બધું બની ગયું.

સવારે કુંવારી દીકરીઓ ના'વા જાય છે: તળાવમાં જે નાઈ તે એક સો આઠેયને ઓધાન રહી ગયાં છે. ચાર-પાંચ મહિને માને ખબર પડી છે. માએ તો એક સો આઠેયને કાઢી મૂકી છે: જાવ, તમને જીકાળિયો રાખશે !

એક સો આઠેય કુંવારકાઓને તો જીકાળિયે સાચવી છે: નવ માસે એક સો ને આઠ દીકરા અવતર્યા છે.

સવાર પડ્યું. રાજા દાતણ કરે. સીમાડા માથે અટારીએ ભાળે છે, એક સો ને આઠ જોદ્ધા જુવે છે. ઓ હો હો ! આ મારું રાજ લેવા કોણ ઊતર્યો ?

જીકાળિયા ! જીકાળિયા ! તને રાજા બોલાવે.

જીકાળિયે તો જઈને બાપને સલામ ભરી.

રાજા કહે: "આવો!"

જીકાળિયો કહે: "હા, પત્યાજી!"

"તું મને પત્યાજી કેમ કહે છે?"

"રાજા રાજા ! તમારી પંદર માનેતી ને એક વાંદરી સોળેયને આંહીં સામે બેસારો. જેના થાનેલામાંથી દૂધની શેડ્યું ફૂટે તેનો હું પૂતર."

વાંદરીનાં તો થાન છલક્યાં છે. ધાવણની શેડ્યું જીકાળિયાની મૂછે જઈને પડી છે. વાંદરી તો રાજાની રાણી બની છે.

હે પુરુષોત્તમ ભગવાન ! જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો !


રાણી રળકાદે

સાત દેર-જેઠિયાં છે.

છયેની વહુઓ રૂડી રીતે જમે, જૂઠે ને અમન ચમન કરે.

નાનેરી વહુને બહારનાં કામ ખેંચવાનાં; છાણવાસીદાં કરવાનાં; ગારગોરમટી ખૂંદવાની.