પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઢસરડાં કરીને નાનેરી વહુ જમવા બેસે. એટલે જેઠાણી આવીને એની થાળીમાં એક દેડકું મૂકી જાય.

હાથ ધોઈને નાનેરી તો ભાણા માથેથી ભૂખી ને ભૂખી ઊઠી જાય.

દા'...ડી દા'ડી તો એની તો એ જ દશા. સુકાઈને એ તો સાંઠીકડું થઈ ગઈ છે.

એક દહાડો તો ધણીએ પૂછયું છે: " આ તો સૌ વરસી રિયાં છે, ને તું એક કાં ખોડસું થઈ ગઈ ?"

કે', "સ્વામીનાથ, કંઈ કે'વાની વાત નથી. એક દી રાતે રાંધણિયાના બારણા પાસે પથારી કરો, ને ઝીણી પછેડી ઓઢીને તમારી નજરે જોજો."

એક દી તો સ્વામી રાંધણિયાના બાર પાસે સૂતો છે, ને એણે તો ઝીણી પછેડી ઓઢી લીધી છે.

નાનેરી ભાણે બેઠી ત્યાં તો એક જેઠાણીએ એની થાળીમાં દેડકું મૂક્યું છે. હાથમોં ધોઈ કરીને નાનેરી તો ઊઠી ગઈ છે.

ધણીએ તો નજરોનજર દીઠું છે. ન કહ્યું જાય, ન સહ્યું જાય, એવું મૂંગું દુઃખ છે આ તો.

આનો તો કોઈ પાર નહિ આવે. માટે, હે સતી, હું દેશાવર ખેડું. મારાં તકદીર અજમાવું.

ભોળો ને ભોટ; ગભરૂ ને ગરીબ; કાંધે કોથળો નાખીને એ તો હાલતો થયો છે.

નાની વહુ ઘરની બહાર છાણના ગોળીટા કરતી કરતી બેઠી છે. જઈને એને પૂછયું છે: "તારે કંઈ કે'વું છે ?"

"કાંઈ કે'વું ને કાંઈ કારવવું ! બસ, એક આટલીક એંધાણી લેતા જાવ."

એમ કહીને બાઈએ તો આંગળીએથી કરડો કાઢ્યો છે. કરડો ધણીના માથાની ચોટલીમાં પરોવી દીધો છે. ધણીએ કહ્યું: "છાણનાં ગોળીટા તારે તો ગામને પાદરે નાખવા જવા છે ને ? લાવને ત્યારે તો હું જ જાતો જાતો એટલો ભાર તો હળવો કરતો જાઉં !"

છાણના ગોળીટા તો એણે કોથળામાં લીધા છે. લઈને એ તો ચાલી નીકળ્યો છે.

વહુનો બોજ તો કે'દીય નહોતો ઉપાડ્યો. આજ છેલ્લીવાર, અરે રામ ! આટલું જ થઈ શક્યું !

ચાલતાં ચાલતાં પાદર પહોંચ્યો છે. કોથળો ઠાલવ્યો છે. ત્યાં તો છાણના ગોળીટાને સાટે સોનાનાં ઢીમ દીઠાં છે.

આ તો મારી રળકાદેના પુણ્યપ્રતાપ. એને જ નામે આનાં ધરમ કરીશ. મારે એ કેમ ખપે?

આગળ ચાલીને એણે તો માર્ગે પાણીનાં પરબ બંધાવ્યા છે.