પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પગરખાં પે'રજો ... રે
રાણી રળકાદે ને નામે !

સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછાં નાનેરીને ટપલાં માર્યાં છે કે -

"કો'ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને ! અને જુઓને આપણી વાલામૂઈ રળકાદે ! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું !"

નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે -

ભોજનિયાં જમજો... રે
રાણી રળકાદે ને નામે !

જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે "થઈ ગઈ હશે ને કો'ક કુળઉજામણ રળકાદે ! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ !"

એય નાનેરીએ સહી લીધું છે.

નાનેરા ભાઈનાં મુકામ આવ્યાં છે. લાખમલાખ લોકો કામે છે. નવાણો ગળાય છે. સડકો બંધાય છે. માળિયાં ચણાય છે.

ભાઈએ તો સહુને ઓળખેલ છે. પોતાની વહુનેય પિછાણી છે. પણ ઓલ્યાં કોઈએ કળ્યું નથી કે આ કોણ છે.

ભાઈએ તો ભાંડુને રહેવા માટે ઓરડા કાઢી દીધા છે. કહ્યું છે કે છાશપાણી લઈ જજો.

સૌએ દાડી કરવા માંડી છે. ખાવા ટાણે છાશ લઈ આવે છે.

એક દા'ડો તો નાનેરીને છાશ લેવા મેલી છે. એને તો ધણીએ ઘાટી રેડિયા જેવી છાશનું દોણું ભરી દીધું છે. ખાતાં સહુનાં કાંઈ પેટ ઠર્યાં છે ! કાંઈ પેટ ઠર્યાં છે !

મોકલો ને રોજ એને જ છાશ લેવા ! એને નભાઇને શેઠ રેડિયા જેવી છાશ ભરી આપે છે!

એક દા'ડો નાનેરી છાશ લેવા ગઈ છે; ત્યારે ધણી નાવણ કરવા બેઠો છે. ઉઘાડી કાયાનાં એંધાણો કળ્યાં છે. માથે ચોટલીમાં વેઢ ઝબૂકતો જોયો છે.

ડળક, ડળક, બાઈની તો આંખમાંથી પાણીડાં દડ્યાં છે.

"બાઈ, બાઈ, તું રોવ છ શા સારુ ?"

કે' "અમસ્થું એ તો !"

કે' "મને નવરાવીશ ?"

બાઈને તો વિસ્મે થયું છે: અરે, આ સારું માણસ આમ કાં પૂછે છે ?