પૃષ્ઠ:Kankavati.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાકાબાપા કહેવા શીખ્યો.
કાકાબાપા, લાકડાના ઘોડા, કાચના ઘોડા કરી આપો ને !
ગાંડા છૈયા ! ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા થતા જ હશે ને !
થાય તોસ્તો, ના થાય તોસ્તો !
લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને.


ટાઢી શિયળ[૧]નાં ટાણાં આવ્યાં.
છૈયો ઘોડો પાવા ચાલ્યો,
સાતે રાણીઓ ના'વા આવી.
"લાકડાના ઘોડા ! કાચના ઘોડા ! પાણી પોહ પોહ !"
ગાંડા છૈયા ! ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા પાણી પીતા હશે ને !
પીએ તોસ્તો, ના પીએ તોસ્તો.
ગાંડી રાણી, ઘેલી રાણી,
રાજાની રાણી સૂંથિયૂં ને સાવરણી જણતી હશે ને !
રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું.
રાજાજી રાજાજી, અમને એક સુતારના છોકરે આવું કહ્યું ને !


બીજો તે દહાડો થયો.
ગોકળાઆઠમનાં ટાણાં આવ્યાં.
છૈયો ઘોડો પાવા ચાલ્યો.
સાતે રાણીઓ ના'વા ચાલી.
"લાકડાના ઘોડા ! કાચના ઘોડા ! પોહ પોહ !"
ગાંડા છૈયા ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા પાણી પીતા હશે ને !
પીએ તોસ્તો ના પીએ તોસ્તો.
ગાંડી રાણી ! ઘેલી રાણી
રાજાની રાણી સૂંથિયૂં ને સાવરણી જણતી હશે ને !
રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું.
રાજાજી રાજાજી, અમને એક સુતારને છોકરે આવું કહ્યું ને.


🌿
  1. ૧ ટાઢી શિયળ : શીતળા સાતમ