પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તેમણે તો કોઠીમાં ડાબલી સંતાડી દીધી ને.
સૂર્યનારાયણ તો આથમીને ઘેર આવ્યા ને
ત્યારે એમણે તો પૂછવા માંડ્યું:
"તમે બધાનું પૂરું કર્યું ?"
"હા, હું તો બધાનું પૂરું કરીને આવ્યો ને."
"કીડીથી કુંજર સુધી કર્યું છે ને ?"
"તમારી જાણમાં હોય તો લાવો ને !"
ત્યારે પેલાં તો ધાયાં ધાયાં ડાબલી લઈને આવ્યાં ને,
ઓળ છપે ડાબલી ઉઘાડી જોઈ ને
કીડી ચોખાનો દાણો ખાતી'તી ને
ધીમી રહીને ચોખાનો દાણો વેગળો મેલ્યો ને,
ત્યારે સૂર્યનારાયણને ડાબલી બતાવી,
તેમણે તો ઉઘાડીને જુએ તો કીડી મહીં ભૂખી છે ને
ત્યારે સૂર્યનારાયણે કહેવા માંડ્યું,
"એ તો કીડી ચોખાનો દાણો ખાતી'તી તમે આઘો મેલ્યોને"
"ત્યારે જે થાય તે તમે બધું જાણો છો?"
"હું તો બધુંયે જાણું ને."
"આપણી પાડોશણમાં છાણાં કોણે લીધા છે ને ?"
"થોડાબોલી થઈ જાય છે ને,
વત્તાબોલીને માથે પડે છે ને."
સૂર્યનારાયણ તો ઊગવા ગયા ને,
ત્યારે પેલી તો સહિયરો પાણી ગયાં ને,
તેમની જોડે રન્નાદે પાણી ગયાં છે ને,
"અલી ઓ, આમ આવ, તને વાત કહું ને,
તારાં છાણાં તો પેલી વત્તાબોલી નથી લઈ જતી
પણ થોડાબોલી લઈ જાય ને,
તું વત્તાબોલીને ગાળો ભાંડીશ નહીં ને."
"તને કોણ કહ્યું ને?"
"મને મારા સૂર્યનારાયણે કહ્યું છે ને."
પેલાં તો કટમકટા લડવા માંડ્યું ને
સામસામી ગાળો ભાંડે છે ને,
પાંચ પચાસ ગાળો સૂર્યનારાયણે ભાંડી છે ને.