પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજકુંવરને તો કોત્યક થયું છે. એને તો વિચાર ઉપડ્યો છે કે, આટલા બધા રૂપિયા જેના હાથ-પગનાં મૂલ, એ દીકરી તે કેવીક રૂપાળી હશે ! આભ માયલી અપ્સરા હશે ? પાતાળ માયલી પદમણી હશે ? કેવી હશે ? ને કેવી નહિ હોય ?

ડોસી, ડોસી, તારી દીકરીનું હું માગું નાખું છું. તારી દીકરી મને પરણાવ.

ડોસી કહે કે, અરેરે માડી ! દીકરી કેવી ને પરણવા કેવાં !

ત્યારે તમે હાલાંવાલાં કેનાં ગાવ છો ?

એ તો મારી ખીલકોડીનાં ગાઉં છું. પેટની જણી પ્રમાણે પાળી છે. મારા ઘડપણનો વિસામો છે. આંધળાનું રતન છે. વાંઝણી છું તે ખીલકોડીને રમાડીને મન વાળું છું.

રાજકુમારે તો હઠ લીધી છે કે, મારે તો પરણવું ને પરણવું ! ખીલકોડીનેય પરણવું, જે હોય એને પરણવું; પરણવું ને પરણવું.

બાળારાજા ! બાળાહઠ ! ડોસીએ તો હા પાડી છે. કુલડી ભરીને રૂપિયા માગ્યા છે. રાજકુંવર તો રૂપિયા લેવા ગામમાં ગયા છે.

ડોસીને તો લોભ લાગ્યો છે. એણે તો દોંગાઈ કરી છે. મોટો એક ખાડો ગાળ્યો છે. ખાડા ઉપર કોઠી મેલી છે. કોઠી ઉપર ગોળો મેલ્યો છે, ગોળા ઉપર મોરિયો, ને મોરિયા ઉપર કુલડી મેલી છે. સોંસરવાં સહુને બાંકોરાં પાડ્યા છે.

રાજાનો કુંવર તો રૂપિયા લાવ્યો છે. એ તો કુલડીમાં નાખવા મંડ્યો છે, પણ કુલડી શેય ભરાતી નથી. ખાડો પુરાણો, કોઠી પુરાણી, ગોળો પુરાણો, મોરિયોય પુરાણો, ત્યારે જ કુલડી પુરાણી છે.

ખીલકોડી સાથે ચાર મંગળ વરતીને રાજકુંવર તો ચાલી નીકળ્યો છે. ભેળાં ખીલકોડી રાણીને સંતાડી લીધી છે. ઘેર જાઈને રાજમો'લને સાતમે માળે ખીલકોડીને તો ચડાવી દીધેલ છે.

રાજકુંવર રાણી લાવ્યા ! રાજકુંવર રાણી લાવ્યા, પણ કોઈએ એને દીઠાં નહિ, કેવાં હશે ને કેવાં નહિ ! એવી વાતો ચાલવા લાગી છે.

કુવરની તો ભોજાઈઓએ કહેરાવ્યું છે કે દેવરજી ! દેવરજી ! દેરાણીને પગે પડવા તો મેલો ! અમે સહુ એને આશરવાદ દઈએ : ઘેરે ઝટ ઘોડિયાં બંધાય : અખંડ એનું એવાતણ થાય : એવા એવા આશરવાદ દઈએ : કાંઈ વાતું કરીએ, ને ચીતું કરીએ.

રાજકુંવર તો શી રીતે મેલે ? શો ઉત્તર આપે ? ના, નાની વહુને છ મહિનાનાં વ્રત છે, કે માનવીનાં મોઢાં ન જોવાં, પગની પાનીયે ન દેખાડવી. પાંચની નજરે પડવું જ નહિ.

ભોજાઈઓને તો વિસ્મે થઈ છે. દેરાણી કાળી કૂબડી હશે, લૂલી લંગડી હશે. મૂંગી બહેરી હશે ! કેવી હશે ને કેવી નહિ હોય ! એવા વિચાર થયા છે.

ભોજાઈઓએ તો કરામત કરી છે : એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ.