પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રસ્તે બહુ ને બહુ કળશિયે જવાણો થયો છે.
લૂગડા ઉતારીને કળશિયે જાય છે.
સમળી આવીને હાર ઉપાડી ગઈ છે.
બામણ તો નિરાશ થયો છે.
ઘેર જાય ત્યાં બામણી વઢવા લાગી છે.
બીજે દી બામણ બીજે રસ્તે જાય છે.
શંકર-પારવતીજી સોગઠે રમે છે.
પાછો બામણ તો આવ્યો છે.

કાં ભાઈ, આવ્યો કે પાછો ?
એને તો હાર્યું-જીત્યું કહેવા બેસાર્યો છે.
તે દીય બાવણને ડિલે દાગીના દીઠા છે.
બાવાની પાસે તો વાલની વાળીય નથી.
લાલચુડો બામણ જૂઠું બોલ્યો છે.
પત્યાજી હાર્યાં ને માતાજી જીત્યાં છે
પારવતીજીએ તો ઝાલ કાઢીને દીધી છે.
લઈને બામણ તો ઘેર વળ્યો છે.
સરોવરમાં પાણી પીવા ઊતરે છે.
ભેટમાંથી ઝાલ પાણીમાં પડી ગઈ છે.
એ ઝાલને તો માછલું ગળી જાય છે.
બામણ તો નિસાસો નાખે છે.
ઘેર જાય ત્યાં બામણી ખિજાય છે.

ત્રીજે દી બામણ ત્રીજે મારગે જાય છે.
ત્યાંય તે ઈનાં ઈ બાવો-બાવણ બેઠાં છે.
બેઠાં-બેઠાં સોગઠાંબાજી ખેલે છે.
અરે બામણ, તું વાંસે વાંસે આવ્યો કે ?
તું તો લોભિયો લાગે છે.
આજેય અમારું હાર્યું-જીત્યું કહેજે.
બામણ તો જૂઠેજૂઠું બોલ્યો છે.
પત્યાજી હાર્યાં ને માતાજી જીત્યાં છે.
પારવતીજીએ તો ગાંસડી બાંધીને રતન દીધાં છે.
માથે ઉપાડીને એ તો હાલ્યો જાય છે.
માર્ગે કણબીનાં ગાડાં ભેળાં થયાં છે.
લાવ્ય લાવ્ય, બામણ. તારી ગાંસડી,
અમે ગાડે નાખતા આવીએ.