પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાંસડી તો ગાડે નાખી છે.
એટલામાં તો વંટોળિયો આવ્યો છે.
ગાડું ને ગાંસડી આઘાં આઘાં ઊડી જાય છે.
બામણ તો નિરાશ થયો છે.
હાથમાં પાંચ રતન રહી ગયાં છે.
ઘેર જઈને મીઠાની ગુણમાં દાટ્યાં છે.
પાડોશણ મીઠું લેવા આવી છે.
ગુણમાં પાંચ રતન દીઠાં છે.
લઈને ચાલી જાય ચ્છે.
આડોશી પાડોશીને બતાવ્યાં છે.
અરે બાઈ ! બામણ તો સુખીયો લાગે છે.
ઈ તો રોયો જૂઠું જ બોલે છે.
બામણી તો બહુ રીસે બળી છે.
ગોર ! ગોર ! છોકરાં ભૂખ્યાં મરે છે.
ને તમે દા'ડી દા'ડી ક્યાં પાટકો છો ?
અરે ગોરાણી, હું પાટકતો નથી.
નત્ય-નત્ય નવે રસ્તે જાઉં છું.
ત્યાં બાવો ને બાવણ બેઠાં હોય છે.
સોગઠાંબાજી રમતાં હોય છે.
મને હાર્યું-જીત્યું કહેવા બેસારે છે.
બાવા પાસે તો કોપીન ને ઝોળી હોય છે.
બાવણને તો સૂડલો સોનું છે.
એને તો હું રોજ જિતાડું છું.
નત્ય નત્ય મને ઈ દાગીના દે છે.
પણ કરમમાંથી ખરી પડે છે.
એક દી સમળી લઈ ગઈ છે.
બીજે દી માછલી ગળી ગઈ છે.
ત્રીજે દી વા-વંટોળિયે ઊડ્યાં છે.

બામણી બોલી કે અસ્ત્રીનું જાચ્યું રે" નહિ ;
ગોર ગોર, આજ તો સાચેસાચું કહેજો :
પત્યાજી જીત્યા કહેજો.
જે આપે તે લઈ લેજો.