પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બામણ તો ચોથે દી ચાલ્યો છે.
ચોથે દહાડેય શિવ-પારવતી બેઠાં છે.
બામણે તો પત્યાજી જીત્યાં કીધું છે.
અરે ભાઈ ! મારી પાસે શું છે તે આપું ?
એણે તો જટા ખંખેરી છે.
માંહીથી એક ત્રાંબિયો ટપક્યો છે.
ત્રાંબિયો બામણને દીધો છે.
એણે તો કેધું પણ છે,
કે શે'રમાં જાતાં જે જણશ પહેલી સામી મળે,
એ જ આ ત્રાંબિયાની લેજે.
બામણ તો ત્રાંબિયો લઈને જાય છે.
રસ્તે જાતાં પે'લો પરથમ માછીડો મળે છે.

માછીમાર માછલું લઈને જાય છે.
બામણ તો મૂંઝાણો છે :
અરેરે મારાથી માછલું કેમ લેવાય?

એણે તો ત્રાંબિયાનું માછલું લીધું છે.
ઘેર જઈને છાપરે નાખી દીધું છે.
આકાશમાં એક સમ઼ળી ઊડે છે.
એના પગમાં સોનાનો હાર હીંડળે છે.
એણે તો માછલું દીઠું છે;
છાપરા માથે ઝડપ મારી છે;
હાર મેલીને માછલું ઉપાડ્યું છે.
માછલાનું તો મોઢું ઉઘડેલું છે.
એમાંથી એક ઝાલ પડે છે.
બામણે તો બેય વાનાં ઓળખ્યાં છે.
ઈ તો ઓલી બાવણનાં દીધેલાં!
ત્યાં તો ગાડાવાળો કણબી આવે છે.
રતનની ગાંસડી દઈ જાય છે.
પડોશણને પણ પસ્તાવો થયો છે :
હાય હાય, બાપડાનાં મેં રતન ચોર્યાં છે.
આવીને ઈ તો પાછાં દઈ જાય છે.
બામણને કોત્યક થયું છે.
ઈ તો શંકર ને પારવતીજી હશે !
ગોતવા નીકળ્યો છે.
એક તપસી મળ્યો છે.