પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંવરિયાઓએ તો જવાબ દીધો છે.
અમારે તો ના'વાં છે, ધોવાં છે.
તુળસી પૂજા કરવી છે.
મેલો તુળસીમાને કયારે,
તુળસીમા દેશે ને અમે પીશું.

કુંવરની માએ પણ એમ કીધું છે.
હું કાલી ઘેલી કાંઈ ન જાણું.
તુળસીમાને કયારે મેલો,
તુળસીમા આલે ને કુંવર પીવે.

તુળસીમાએ તો ઝેરના હતા તે ઢોળી નાખ્યા !
દૂધસાકરના કરી નાખ્યા !
પાંચેય કુંવરડા પી ગયા.
પી કરીને રમવા ગયા.

અપરમાએ તો દાસીને મોકલી છે.
જા તો દાસી, શું કરે છે?
રોતાં હોય તો રોવા લાગજે,
કૂટતાં હોય તો કૂટવા લાગજે,
દાસીએ તો આવીને કહ્યું છે:
ઈ તો એ રૂપાળા રમે !
ધોળા ધોળા ફૂલ જેવા,
અપર માએ તો બીજે દી એરુ, વીંછી ને પરડોતરાં મોકલ્યા છે.

દાસીએ જઈને કહ્યું છે:
રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ !
લ્યો, આ તમારી મોટેરી માએ મોકલ્યાં છે.
સોનાના સાંકળાં.
રૂપાનાં વાંકળાં.
આ લ્યો, આ પહેરો.

કુંવારિયા એ તો જવાબ દીધો છે.
અમારે તો ના'વાં-ધોવાં છે.
તુળસી પૂજા કરવી છે.
મેલો તુળસીમાને ક્યારે
તુળસીમા દેશેને અમે પહેરશું.