પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાનડી તો વનમાં જાય છે.
નવી રાણીને ગોતતી જાય છે.
આવીને કહે છે કે તમારી બેન તમને મળવા આવતાં'તાં, ત્યાં એમને સરપ ડસ્યો ને.
બાઈ તો તુળસીમા પાસે પહોંચે છે.
પગે પડીને કરગરવા માંડે છે.
માતાજી, મારી બેનને સજીવન કરો!
તુળસીમાએ તો અમીનો કૂંપો ને કરેણની કાંબ આપ્યાં છે.
લઈને બાઈ તો ચાલી છે.
શોક્યના મડદા માથે અમી છાંટ્યાં છે.
કરેણની કાંબ અડકાડી છે.
શોક્ય તો આલસ મરડીને બેઠી થઈ છે.
નવી રાણીના પગમાં પડે છે.
બેન બેન, મારે પગે શીદ લાગો છો?
પગે તો તુળસીમાને લાગો.
તુળસીમા ! તુળસીમા !
એક દીકરી, તેમ બીજીયે દીકરી !
ડાબી જમણી બેય સરખી રાખજો !
બેન, બેન, તુંને તુળસીમા કેમ પરસન થયાં ?
હું તો નાહીધોઈને તુળસી ક્યારે પાણી રેડતી.
તુળસીમાનું વ્રત કરતી.
બેન બેન, મને કહે, હુંયે કરું.


[આગલી વાર્તાનું પાઠાન્તર]

[1]

બામણ ને બામણી હતાં તે હાલ્યાં તીરથ કરવા.
હાલતાં હાલતાં હાલ્યાં જાય છે. ત્યાં એક સરોવર આવ્યું.
બામણ અને બામણીએ નાઈધોઈ તુળસીને ક્યારે ટીંબણ કર્યું.
ત્યાં તો બાઈને પેટમાં દુખવા આવ્યું. બાઈને દીકરી આવી.
બામણી કહે, હવે શું કરશું?
તુલસીને ક્યારે દીકરી મેલી વરવહુ હાલી નીકળ્યાં છે.
ત્યાં તો તુળસીમા ડોસીનું રૂપ ધરીને આવ્યાં છે.