પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે.
ડિલ ઉપર તો પાંડડાં ઓઢાડ્યાં છે. માતાજીએ રધસધ દીધી છે.
દીકરી તો પગનો અંગૂઠો ચહચહ ધાવે છે.
એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે.

[2]

શે'રના રાજા શિકારે આવ્યા છે. રાજાને તો તરસ લાગી છે. પરધાનજી, તમે પાણી ભરી આવો.

પરધાન તો પાણી ભરવા ચાલ્યો જાય છે. સરોવર-પાળે સુંદરી દીઠી છે. બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયાં છે.

પરધાન તો પાછો ભાગ્યો છે. રાજાને આવીને કે' છે: રાજા ! રાજા ! એક અસ્ત્રી દીઠી, રૂપ રૂપના અંબાર દીઠા, પગ નગન બેઠી છે, તે હું પાછો આવ્યો.

રાજા તો ત્યાં જાય છે, પૂછે છે : તું કોણ છો ? ડેણ છો ? ડાકણ છો ?

ડેણ નથી, ડાકણ નથી, કાળા માથાનું માનવી છું. પૂંઠ વાળીને ઊભા રો' , અને તમારું ફાળિયું ફગાવો.

રાજાએ તો ફાળિયું ફેંક્યું છે. પૂંઠ વાળીને ઊભો રહ્યો છે. બાઈએ તો ફાળિયું પે'રી લીધું છે.

બાઈ બાઈ! તું કોણ છે? મારે તને વરવું છે.

હું તો છું વનની દીકરી. વરવાનું તો મારી માતાને પૂછો.

રાજા તુળસીમા આગળ આવ્યો છે. દીકરીનું તો માગું નાખે છે.

રાજા ! રાજા ! વનની દીકરી વનમાં વરે. આલાલીલા વાંસ ચઢાવો. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવો.

આલાલીલા વાંસ વઢાવ્યા છે. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવી છે. ઘડિયાં લગન લીધાં છે. રાજા પરણે છે.

વનમાં મહેલ ચણાવ્યો છે. રાજા-રાણી ઘરવાસ માંડે છે. ખાય છે, પીએ છે, હીંડોળાખાટે હીંચકે છે.

રાણીને તો ઓધાન રહે છે. એક વરસે દીકરો થાય છે. બીજે વરસે બીજો દીકરો થાય છે. ત્રીજે વરસે

ત્રીજો, ચોથે વરસે ચોથો, ને પાંચમે વર્ષૅ પાંચમો દીકરો થાય છે.

પાંચના તો નામ પાડ્યાં છે. એકનું નામ રાજકરણ :બીજાનું નામ રવિકરણ : ત્રીજાનું નામ દેવકરણ : ચોથાનું નામ વીજકરણ : સૂરજકરણ.

[આંહીથી વાર્તા આગળની વાર્તાની પેથે એકધારી ચાલે છે]