પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધરમરાજા કે' છે, ઈ તો નીસરે નહિ.

ના મહારાજ ! કાઢો તો જ હા નીકર ના !

ધરમરાજા કે' છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે.

પછી બાએ સોનાની ઝારી લઈ જળનું ટીપું મેલ્યું છે. ભાઈ-ભોજાઈ તો બહાર નીકળ્યાં છે. એ તો બાને પગે લાગે છે. કહે છે કે બા, તું તો સકળની ! તેં તાર્યા અમને.

હે માબાપ ! એને તાર્યા એમ સહુને તારજે !


અગતાની વાત


ણબીની ડોશી.

એને સાત દીકરા : સાતેયને વહુવારુ.

વહુઓને સાસુ દિવસ ને રાત ઘરનાં કામ ખેંચાવે. એકેય દા'ડાનો અગતો ન પાળવા દે. ન વિસામાનો શ્વાસ મૂકવા આપે.

વહુઓ તો ગળે આવી ગઈ છે. વીફરી ગઈ છે કે, આપણે સાસુના માથાની થઈએ.

બાઈજી ! ઓ બાઈજી, અમે પાદર પાણી ગયાં'તાં, ત્યાં એક ગામોટ મળ્યો. એણે ખબર દીધા છે કે નણંદબા તો માંદાં પડી ગયાં છે. એને તો રોગ ઘેરાઈ ગયો છે.

ડોશી તો હાંફળીફાંફળી થઈ છે. દીકરીને ગામ જવા નીકળી છે. વહુઓને કહેતી ગઈ છે : જોજો હો, છાશ ફેરવી નાખજો, માખણનો પીંડો તાવી નખજો, દૂધનો પેડો કઢી નાખજો, છાણવાસીદાં કરી નાખજો, કોઠીમાં રૂ ભર્યું છે તે તમામ કાંતી નાખજો.

એ....હો, બાઈજી !

સાસુ તો ગઈ છે. પછી વહુઓએ તો ચૂલે ખીરનો પેડો ચડાવ્યો છે. ઘ‌ઉંના લોટનો પીંડો બાંધ્યો છે. હાશ ! આજ તો સાતેય જણીઓ પેટ ભરીને ખીર ને રોટલી જમશું.

અને કોઠીના સાણામાં સૂતરનું એક આટલું ખોસી રાખો. દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂ કાંતીને ભરી વાળ્યું છે.

સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે. દીકરી તો રાતી રાણ જેવી હતી. દાઝેભરી ડોશી દોડતી આવી છે.

એક વહુ પાણી ભરે છે. એણે બીજીને સાન કરી છે કે ડોશી આવે છે. બીજીએ ત્રીજીને, ત્રીજીએ ચોથીને, એમ ઠેઠ સાતમીને રાંધણિયામાં સંદેશો પહોંચાડી દીધો છે.

ખીરનું પેડું છાણાનાં મોઢવામાં સંતાડ્યું છે. સાસુને તો ફોસલાવી લીધી છે. કશું કળાવા દીધું નથી.

પણ હવે ખીર-રોટલી ખાવાં કેમ કરી ?

રાત પડી છે. સાસુ સૂઈ ગઈ છે. એટલે વહુઓ ફળિયામાં આવી છે. ભેંસો અને ઘોડાં