પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજા ગામડામાં પડો વજડાવે છે : છે કોઈ ગૂમડાનો જાણનારો ?

પટલાણીએ લાગ દીઠો : કહ્યું કે હા, હા, મારા ધણીનું ગડગૂમડમાં બહુ ધ્યાન પડે છે.

બોલાવો પટેલને !

સપાઈ આવ્યા. કહે કે ચાલો પટેલ, રાજા તેડાવે છે.

પટેલ કહે : અરે ભોગ લાગ્યા ! મારું શું કામ પડ્યું રાજાને ?

પટેલ, તમે તો ગડગૂમડમાં બહુ જાણો છો ! રાજકુંવરનું ગૂમડું મટાડો.

અરે માબાપ ! આ શું બોલો છો ! હું કશું નથી જાણતો.

ખોટું બોલો મા, તમારી બાયડીએ જ અમને કહ્યું છે.

પટલાણી કહે : હા હા સા'બ, પટલ ભોંઠા પડે છે એટલે નથી માનતા.

કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરડામાં લઈ ગયા. ઓરડો બહારથી બંધ કરી વાળ્યો. કહ્યું કે કુંવરનું ઓસડ કરો તો જ ઉઘાડશું !

કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે ! અરે રામ ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો !

એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા :

ક્યાં કોશ ભાંગી !
ક્યાં દોણી ફૂટી !
ક્યાં સડદો ખાધો !
હાથ નો અડાડું શીકાં !

બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે :

ક્યાં કોશ ભાંગી !
ક્યાં દોણી ફૂટી !
ક્યાં સડદો ખાધો !
ફૂટ્ય ગડગૂમડીકા !
હાથ નો અડાડું શીકાં !

પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી.

કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે.

રાજાએ તો આવીને પટેલને કહ્યું કે, માગ માગ. ખેતર માગ અને વાડી માગ.

મારે કાંઈ ન જોવે બાપા ! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે