પૃષ્ઠ:Kankavati.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસે સવારે તો વૈદોએ નાડ ઝાલીને કહ્યું કે 'નહિ બચે !'

એની પથારી પાસે આખું ઘર આવીને બેઠું. સહુ કલ્પાંત કરવા લાગ્યાં. ત્યારે ધાવ બોલી કે,

'કોઈ રોશો મા. મારે તમને એક વાત કહેવી છે. મેં તો આ બચ્ચીને સાટે ફ્યુદોસામાને મારો જીવ અર્પણ કર્યો છે. અને મારી આરદા સંભળાણી છે. માટે કોઈ કલ્પાંત કરશો મા. ફક્ત આટલું કરજો, ફ્યુદો-સામાના દેરામાં બચ્ચીને માટે મેં એક ઝાડ વાવવાની માનતા માની છે. હું તો હવે નહિ વાવી શકું, માટે તમે વાવી આવજો!' એટલું બોલીને ધાવ મરી ગઈ, બચ્ચીના બાપે તો દેવના દેરામાં એક રૂપાળું ફૂલઝાડ લાવીને વાવ્યું. ઝાડ તો ઉઝરવા મંડ્યું. ઝપાટે મોટું થઈ ગયું. અને વળતે વર્ષે બરાબર ધાવની વરસીને દિવસે જ એને તો ફૂલ આવ્યાં! કાંઈ ફૂલ! કાંઈ ફૂલ! ફૂલનો તો પાર ન રહ્યો. ગુલાબી અને ધોળાં ફૂલનો આકાર બરાબર સ્ત્રીના થાનેલાની ડીંટડી જેવો: અને એને માથે દૂધનું અક્કેક ટીપું બાઝેલું.

લોકોએ એ ઝાડનું ઉબાઝાકુરા (ધાવનું વૃક્ષ) એવું નામ પાડ્યું. બસો ને ચોપન વર્ષ સુધી વર્ષો વર્ષ બરાબર એ ધાવની મરણતિથિને જ દિવસે ઉબાઝાકુરાને ફૂલો આવ્યા જ કર્યા હતાં અને જનેતાના સ્તનની ડીંટડી જેવો જ એનો ઘાટ હતો.