પૃષ્ઠ:Kankavati.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપવું અને અલાયદું ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી: બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે –

પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન વાલા

અને પછી એક ચાનકી કરી, તેમાં કાણું પાડી ચંદ્રની ચાડે ધરી, કાણા વાળી ચંદ્રને નિહાળી કાવ્ય સંબોધવું કે -

ચાંદા તારી ચાનકી
મારું ચૂરમું
ભાઈ જમ્યો
બે'ન ભૂખી !

અને પછી –

ચાંદા તારી ચાનકી
કૂતરા તારી રોટલી
આજ મારી પોષી પૂનમ !

એટલું કહી કૂતરાને રોટલી નાખવી. તે પછી

પોષી પોષી પુનમડી
અગાશીએ રાંધ્યા અન્ન
ભાઈની બે′ન જમે કે રમે ?
જમ્ય બેન જમ્ય!

એ ભાઈની રજા લઈને જ પોતાનું રાંધેલું અન્નપૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું: એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય: એક દિવસનો ગૃહસંસાર: ઉઘાડા ગગન સાથે મહોબ્બતઃ ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું: આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ વચ્ચે સામ્યની દૃષ્ટિ અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ?

બંગાળનાં લોકવ્રતો

આપણાં ને બંગાળનાં અમુક કુમારિકા-વતો તો મળતાં આવે છે. આપણાં મોળાક્ત જેવું જ એનું શસપાતા વ્રત છે. એમાં પણ જવેરા અને જાગરણ છે, એ કુમારિકાઓના ઉ‌દ્ગારોમાં પણ આપણી માફક જ કૌટુમ્બિક સુખની વાચના પ્રવાસે પળેલા સ્વજનોની મંગલ વાંછના છે; ગાય, પીપળા અને ધરતીને વંદના છે, વેદગાથાને સ્મરાવે તેવા કલ્પનાવૈભવ છે, બારેય માસનાં ભિન્ન ભિન્ન ઋતુ-સ્વાગતો છે. એની બરોબરી તો આપણું ગુર્જર વ્રતસાહિત્ય કરી શકે તેમ નથી.