પૃષ્ઠ:Kankavati.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિધિની રહસ્યમયતા

શાસ્ત્રીય વ્રતોમાં, દરેકને લગતી મનકામના ભલે ભિન્ન ભિન્ન હોય, છતાં તેની કિયા વા વિધિ બ્રાહ્મણ એક જ તરેહની કરાવે: એક જ મંત્ર! માત્ર તેમાં દેવ કે દેવીનાં નામ બદલાય; અને અન્ય વિધિઓ પણ એક જ સરખી. સાચાં લોકવ્રતોમાં એમ નથી. ત્યાં તો જે મનકામના હોય, તેની સાથે બંધબેસતી ક્રિયામાં જ અંતરેચ્છા પ્રગટ થાય. દ્રશ્ચંતઃ વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય, ગરમીમાં વૃક્ષો મરી ન જાય, તેવી પ્રાર્થનાને પ્રકટ કરવા માટે પૂર્તિપુકુર વ્રતની અંદર, સરોવરની રચના કરવી જોઈએ, તેમાં બીલી-વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ, સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે. એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંછનાને અનુરૂપ રચના થાય છે.

દટાયેલો ઈતિહાસ

આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલી નથી. તુઓના પરિવર્તનની સાથોસાથ માનવદશામાં જે પલટો આવે છે, એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે. નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ એટલા જ પુરાતન બલકે તેથીયે પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે.

આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરઘેર આજ પર્યત શી રીતે ચાલુ રહી ગઈ? ઉત્તર એ છે કે આપણાં સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો, પણ આપણું અંતઃપુર તો તેની સાથે નથી જ પલટાયું. એ તો ગઈ કાલે, પરમ દિવસે, બલકે તેથીયે અને તેનાથી પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે. એટલે જ આ નારીવ્રતો ત્યાં જળવાઈ રહ્યાં. માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો. અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી, તેમ છતાં તેઓનું શિલ્પ, તેઓનાં મંદિરો, મઠો અને તેઓનાં ઘરબાર, કંઈક માટીની અંદર, કંઈક માટીના પડને માથે અરણ્યોમાં, અને વળી કેટલાંક લોકસ્મૃતિની અંદર અંતઃપુરમાં સચવાઈ રહ્યાં: મરનારાઓને મુખેથી જ મરનારાઓનો ઈતિહાસ બોલાવવાને માટે! બંગાળનાં આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈવાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે, ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઈતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, ઉપાખ્યાન પર્વતની સામગ્રી સાંપડી રહી છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવા જેવો નથી.