પૃષ્ઠ:Kankavati.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


જંગલી નથી

અને જેની અંદરથી સભ્ય જાતિનાં આવાં સુલક્ષણો મળી આવે છે. એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ ? આ જેઓઝ જંગલી વાતો કરનારા અને નિરુદ્યમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે, તેઓનું તો આ વતોની અંદરથી અને શિલ્પચિત્રના ઈતિહાસમાંથી આપણને તદ્દન ઊલટું જ ઓળખાણ થાય છે. જેમ કે વાસ્તુવિદ્યા એ મયશાસ્ત્ર છે. હવે, મય તો દાનવ હતો! વળી આર્યો તો જ્યારે યુદ્ધવિજયની મન કામના ઇંદ્રના હોમહવન વાટે કરતા હતા, ત્યારે બીજી બાજ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને ગઢકિલ્લા બાંધી રહ્યા હતા . ઈનને ખુશ કરવા નહોતા બેસી રહ્યા. તેમજ તેઓની કન્યાઓ પણ કેવાં વ્રતો કરતી ! ‘રને રને એવો હવ !': જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો, પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઊતરતી હતી એમ ન કહી શકાય. રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતનાં જોડકણાંની અંદર ખડી થાય છે, અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે, તે આદર્શ અને તે મૂર્તિની સરજનહાર પ્રજા જંન્ગલી કેમ હોઈ શકે ?

[ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઊતરે છે. આ અસલી પ્રજાનાં વ્રતો કે જેને અનુસરતાં વ્રતો બોહિમિયામાં. ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીનાં બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિમાહાભ્યનાં કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિપ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણરચિત દધિસંક્રાન્તિ, ગુપ્તધન, ધૂમસંકાન્તિ, દાડિમસંક્રાન્તિ, બ્રાહ્મણાદર ઈત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળાં આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી. તેમાં તો ઋતુઓના ઉત્સવ છે. પછી તો એની કલમ કાવ્ય વાવે છે.]

જીવનયાત્રાની છબી

વ્રતોનાં જોડકણાં પૂર્વ બંગાળનાંયે જુદાં, પશ્ચિમ બંગાળનાંયે જુદાં, છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાંની, કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણાં અંતરમાં જાગી ઊઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહિ જડે. દૃષ્ટાંત લો: પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે, અને આ વ્રત સવારનું છે. તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે; ગામની ઉપર ઝઝુંબેલા મોટાં વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે; પ્રભાત ઝાકળબિન્દુઓથી જરી જરી ભીંજાયેલું હશે; ગામની વાડે વાડે, અને ઘરોને છાપરે છાપરે, સિમ-વૃક્ષનાં લીલાં લીલાં પાંદડા ઝૂલતાં હશે; ખેતરે ખેતરે રાઈ અને સરસવનાં ફૂલ, દૂધ અને હળદરનાં ફીણ સરીખાં ઊજળી રહ્યાં હો; તે વખતે રામપાતરમાં રીંગણાનું પાંદડું રોપી, માટી ભરી, કુમારિકાઓ ટોળે