પૃષ્ઠ:Kankavati.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શાસ્ત્રોથી સ્વતંત્ર

દસ-બાર વ્રતકથાઓ કંકાવટી’ મંડળ બીજામાં મુકાયેલી છે. એટલી જ બીજી કથાઓ કંકાવટી મંડળ પહેલામાં પણ આવી ગઈ છે. એ વાર્તાઓને શાસ્ત્રોનો કે બીજા કશાનો આધાર નથી. વ્રત રહેનારી પણ સમજે છે કે એ વાર્તાઓ લોકસંસારના અમુક જીવનવહેણને રજૂ કરનારી સાહિત્યરચનાઓ જ છે. શાસ્ત્રભાનું કોઈપણ પાત્ર એમાં આવતું નથી. શાસ્ત્રના શંકરથી આ વાર્તાઓના શંકર જુદા છે. શાસ્ત્રના સૂર્યથી પ્રાકૃત વ્રતકથાના રાંદલપતિ સૂર્ય નિરાળા છે. શાસ્ત્રની વૈતરણીને ને આ કથા માંહેલી ગાયને, શાસ્ત્રની વૃંદાવતાર તુલસીને ને આ વ્રતની તુલસીને કોઈ જાતનાં લેવાદેવા નથી. સોગઠ રમતાં કે ખેતરોમાં વિચરતાં શંકર-પારવતી આપણા વાર્તાસર્જકોનાં સ્વતંત્ર પાત્રો છે. લોકવ્રતોની વાતોના જમરાજા અને ધર્મરાજા પણ પ્રાકૃત લક્ષણે કરીને અંકિત છે.

સાહિત્યની કૃતિઓ

વળી આ વાર્તાઓમાં પાત્રો બની વિચરતા ઘણકો-ઘણકી, વાંદરી, ખિલકોડી, બોકડો વગેરે પણ વાર્તાગૂંથણમાં પડતા બુટ્ટાઓ જેવાં છે. એને કોઈ પણ શાસ્ત્રકથાનો આધાર નથી. પ્રાકૃત લોકો પાકેપાકું સમજતા કે આપણે આ કલ્પિત વાર્તાઓ કહીએ-સાંભળીએ છીએ, શાસ્ત્ર નહિ. મતલબ કે વ્રતોની વાર્તાઓ શુદ્ધ સાહિત્યની કૃતિઓ છે. જગતની આદ્ય નવલિકાકાર નારી છે. સ્ત્રીએ સમાજને અવલોકીને આ વાર્તાઓમાં આલેખ્યો આલેખીને જ એ ન બેસી રહી, એકે બીજીને કહી, બીજીએ ત્રીજીને, હજારોને, લાખો-કરોડોને, પેઢાનપેઢી. આમ આ વાર્તાઓ શુદ્ર લોકવાર્તાઓ હોવાથી લોકવિદ્યા (“ફોકલોર')નું એક અંગ બને છે. સ્ત્રીઓની હોવાથી મહત્ત્વનું અંગ બને છે. જમાને જમાને રચાતા અને ભાંગતા લોકસંસારે એમાં પોતાની આપવીતી લખી આપી છે.

ઈતિહાસનું પગેરું

ને જમાના પછી જમાનાના કાળઘસારા પોતાની જે જે પગલીઓ પાડતા ગયા છે તેનું પૂરું પગેરું હજુ આપણે કયાં કાઢી નાખ્યું છે? આપણે પોતે માનવી, પણ જાણ્યો નથી પૂરો માનવ-પેઢીઓનો જ ઈતિહાસ, માનવીના આશ્વાસ-નિ:શ્વાસનો ઈતિહાસ, એને હરએક ખૂણે ખૂણે ઊભા રહીને વાંચીએ તોપણ એનું વાચન ઝટ પૂરું નથી થવાનું. આ વ્રતોની વાર્તા આપણને પગેરું આપે છે. પ્રાકૃત ગણાતા જનમાનસની પગલીનું પગેરું. ભેબારશ'ની વાર્તા લ્યો. (કંકાવટી'.)