પૃષ્ઠ:Kankavati.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વ્રત કથામાં જે જીવનકળાં છે તે વિરલ છે. વ્રત શરૂ કરે ત્યાંથી તે વ્રત પૂરું થાય ત્યાં સુધીમાં જે જીવન સુગંધ ફોરે છે તે અનોખી છે.

લોકસાહિત્ય કોરા કાગળ ચીતરી જાય તે યુગ લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યના સંગ્રાહકને પાઘડી બંધાવાય કે લોકદરબારે કે રાજદરબારે આદર થાય તે લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યને શાળા-કૉલેજોમાં સ્થાન મળે, કે પરદેશના તેવા સાહિત્યની સાથે તુલનાત્મક અભ્યાસના ક્રમ રચાય તે પણ લોકસાહિત્યનો યુગ નથી. સાચો લોકસાહિત્યનો યુગ તો એ જ કહેવાય કે જે યુગમાં ખાસ વર્ગ અને આમવર્ગ સાહિત્યમાં સાથે બેસી નાહ્ય અને તરબોળ થઈ રસપીણાં પીએ. જે યુગમાં ઢેડ, બ્રાહ્મણ, હિંદુમુસ્લિમ કે પારસીખ્રિસ્તીના ભેદ વગર જ સાહિત્યવૃક્ષની છાયામાં રસછોળોથી સૌ રંગાય, તે લોકસહિત્યનો યુગ છે. લોકસાહિત્યનો યુગ એટલે લોકાદરનો મહિમાવંત યુગ. આજે મજૂરવાદ, સમાજવાદ, અહિંસાવાદ અને પ્રેમવાદ, સ્વાતંત્ર્યવાદ, એ યુગપ્રવર્તક ધર્મો હોઈ અને એ સર્વે લોકાદરના જ પાયા ઉપર રચાયેલા હોઈ લોકસાહિત્યના યુગનાં મંડાણ કરે છે તે લોકસાહિત્યના સેવકે ન ભૂલવું જોઈએ.

ઉમરેઠ : 7-6-1928