પૃષ્ઠ:Kankavati.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કં-કા-વ-ટી.

એનો અસલ શબ્દ છે કુમકુમવટી. આપણાં તમામ વ્રતોમાં એ મંગલ પાત્ર અગ્રસ્થાને દીપાવે છે. લાલલાલ કંકુના ચાંદલા, સુંદર સાથિયા અને અન્ય મંગલ આકૃતિઓ એ કંકાવટીમાંથી ઝરે છે.

પ્રત્યેક અરુણોદયે પૂર્વ દિશામાંથી આવતી અને જાણે કે પોતાની ગેબી કંકાવટીમાંથી મંગલ શકુનોનાં છાંટણાં દેતી ઉષાકુમારીને આર્ય કુમારિકા નીરખે છે. નીરખીને પોતે પણ નાની કંકાવટી લઈ પ્રત્યેક પ્રભાતે નીકળી પડે છે. ઘરોઘરનાં પડોશીઓને સૂઈને ઊઠતી સૈયરોને, સામી મળતી ગાયને, મૌન ઊભેલા પીપળાને, સ્થાવર વા જંગમ પ્રત્યેક જીવને જેટલાને બને તેટલાને ચાંદલા કરતી કરતી એ મંગલ શકુનો જ વરસાવે છે.

નાની નાની એ શકુનદાત્રીનું આ પહેલવહેલું સાદું વ્રત : અને પ્રૌઢા સીમતિનીનું છેલ્લામાં છેલ્લું ગંભીર વ્રત : બંનેમાં રમે છે કંકાવટી. આદિથી અંત સુધીની એ બહેનપણી : આર્યત્વના બાલ્ય - બાલિશ પણ ખરા! - કલાસંસ્કારનું એક રમ્ય આવિષ્કરણ : જીવંત એક કાવ્ય : વાહ કંકાવટી! તને કોણે સરજી? ક્યારે સરજી?