પૃષ્ઠ:Kankavati.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાંદા! તારી ચાનકી,
કૂતરા તારી રોટલી,
આજ મારી પોષી પૂનમ.

એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માગે છે:

પોષી પોષી પૂનમડી
અગાસે રાંધ્યાં અન્ન;
ભાઈની બેન જમે કે કેમ?

ભલો ભાઈ હોય તે કહેશે, કે જમ્ય, બેન, જમ્ય!

એટલે બહેન જમે. વળી નઠોર ભાઈ હોય તો બહેન ને ટળવળાવવા ખાતર કહેશે, કે રમ્ય!

ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહિ.

પોષી પોષી પૂનમડી,
સાત ભાઈની બેનડી,
ડાઈ કહે તો જમે,
નીકર બેન રે' ભૂખી!

ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમે ય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે. તો યે બહેન તે બહેન. એનાં હેત કંઈ ઊતર્યાં છે કદી?


ચાંદરડાની પૂજા


[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -]

"લી એય! જો ચાંદરડું ઊગ્યું!"

એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:

પે'લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.