પૃષ્ઠ:Kankavati.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.


[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]

ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!


આંબરડું ફોફરડું


"પૂજારી ! ઓ પૂજારી, ઉઘાડો ને!"

"રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે ?"

પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે, કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે.

એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, 'આંબરડું-ફોફરડું' વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીસેય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠ ઘ‌ઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે:

આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું
ગાય રે ગાય
તું મોરી માય,
નત નત ડુંગરે ચરવા જાય
ચરી કરી પાછી વળી
ગંગાજળ પાણી પીવા ગઈ;
સામો મળિયો સિંહ ને વાઘ
વાઘ કે', મા તને ખાઉં !

ના રે ભાઈ, મને નો ખવાય !
મારા છાણનો ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મા’દેવને ચડે.

*