પૃષ્ઠ:Kankavati.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે -

કાગડા બોલ્યા
કૂતરા બોલ્યા
ઓલીપાની છોડિયુંનું ખો... ટું!


આહલીપહલી

ફૂલ્યોફાલ્યો ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા છે ને કેસૂડાં કોળ્યાં છે. બારે ભાર વનસ્પતિ તો લચી પડી છે. ટાઢ ઊડી છે ને તડકા તપવા લાગ્યા છે.

સામી ઝાળે હોળી ચાલી આવી છે. આઠમની રાતથી તો કાંઈ અજવાળિયાં ખીલે છે ! કાંઈ અજવાળિયાં ખીલે છે!

એ અજવાળિયાંમાં ટોળે વળીને શેરીની નાનકડી છોકરીઓ અહલીપહલી માગવા નીકળી પડે છે. આ ઘેર જાય ને પેલે ઘેર જાય છે. કોણ કોણ જાય છે?

અજવાળી, દીવાળી ને રૂપાળી : પારવતી, ગોમતી ને સરસ્વતી : પૂતળી, મોતડી ને મણિ: હેમી, પ્રેમી ને પરભી : કોઈ બામણની દીકરી, કોઈ વાણિયાની કોઈ રજપૂતની તો કોઈ કણબીની : એમ ટોળે વળીને કુમારિકાઓ પડોશીને ઘેર ઘેર ઘૂમે છે. માથાં ડોલાવી ડોલાવીને તાલ દેતી દેતી લહેકાથી ગાજી ઊઠે છે કે -

અહલી દેજો બાઈ પહલી દેજો!
પહલીના પાંચ દોરા દેજો !

એટલું બોલે ત્યાં તો ઘરનાં છૈયાંછોકરાં સૌ દોટ કાઢીને બહાર આવે છે. વળી તાલ બદલે, લહેકા ટૂંકા થાય અને જોડકણું જોરથી ગાજે :

જે રે
દેશે રે
એને રે
ઘેરે રે
પાઘડિયાલો પૂતર આવશે !
નાગલિયાળી નાર આવશે!

અહાહા ! પાઘડીબંધ રૂપાળો પુત્ર અને નાગણી-શા કાળા ભમ્મર ચોટલાવાળી રૂડી વહુ મળે ! એવી આશિષ સાંભળીને તો કેટલી કેટલી જણ્યાં વિના ઝૂરતી પડોશણો દાણા દેવા દોડી આવતી'તી! કુંવારકાઓની આશિષો કાંઈ ફળ્યા વિના રહે !