પૃષ્ઠ:Kankavati.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આ છોડીઓ તો નખેદ ! આશિષો આપે તેમ વળી શાપ પણ આપે:

જે રે
નૈ દ્યે રે
એને રે
ઘેરે રે
બાડૂડો જમાઈ આવશે !
કાણી કૂબડી ધેડી આવશે!
ધેડી એટલે દીકરી

હળવો ફૂલ જેવો, કાલો કાલો અને ભોળા મનનો આ શાપ સાંભળતાં જ ખડખડ હાસતી ઘરનાર ખોબો ભરીને બહાર આવે; કન્યાઓના ખોળામાં દાણા ઠાલવીને બોલે :" લ્યો, ટળો, નીકર જીભડી વાઢી લઈશ".

પણ બાળીભોળી છોકરીઓ કાંઈ છેલ્લો આશીર્વાદ આપ્યા વિના જાય કદી? આ અને ઓલ્યા તમામ ઘરને સૌભાગ્યની દુવા સંભળાવે છે:


આ ઘેર ઓટલો
ઓલે ઘેર ઓટલો
ઘરધણિયાણી ઓળે ચોટલો

પછી દૂઝણાંવાઝણાં અને ખેતરવાડી વગેરે સંપતની દુવા સંભળાવે છે:

આ ઘેરે રાશ
ઓલે ઘેરે રાશ
ઘરધણિયાણી ફેરે છાશ!
આ ઘેરે ગાડું
ઓલે ઘેરે ગાડું
ઘરધણિયાણી જમે લાડુ!

અને થોડું કે ઝાઝું જેટલું આપે એટલાથી રીઝનારીમ, કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે -


ચપટી દ્યો તો રાજી થાઈં
ખોબો દ્યો તો ભાગી જાઈં

એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય.

એનું નામ અહલીપહલી. 'અહલી પહલી' નો અર્થ જ ખોબો અથવા અરધો ખોબો. એક હાથના ખોબાને 'પહલી' કહે છે.