પૃષ્ઠ:Kankavati.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોળાકત


ષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર અષાઢની અજવાળી પાંચમે -

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો
મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે ... ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે ... વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો

એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘ‌ઉં, તલ ને મગ : એમ ચાર જાતના દાણા વાવે છે.

ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે ? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે.

દસમને દા'ડે કુમરિકા ડાટો કરે છે. ડાટો એટલે શું ? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયે પેટ ભરીને ખાઈ લે.

દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમરિકાઓ નદીએ નહાવા જાય. જાય ત્યારે ય ગાતી જાય:

મગ મગ એવડા મોગરા રે
તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર ! આંબો મોર્યો.
ગામનો ગરાસિયો કૃષ્ણ[૧] કુમાર રે
પાઘડીમાં રાખે ફૂલ, મોરી સૈયર ! આંબો મોર્યો.
ગામની ગરાસણી ...... બા [૨] રે
ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર ! આંબો મોર્યો.

નદીકાંઠે ગારાની ગૌર્ય (ગૌરી) કરી હોય તેને નાહ્યા પછી કુમારિકાઓ પૂજે, પૂજતાં પૂજતાં ગાતી જાય:

ગોર્યમા ગોર્યમા રે
સસરો દેજો સવાદિયા
તમે મારી ગોર્યમા છો !
ગોર્યમા ગોર્યમા રે
સાસુ દેજો ભુખાળવાં[૩] - તમે મારી૦

  1. પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે.
  2. પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે.
  3. સસરાજી અને સાસુજી ખાવાનાં શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરોને!