પૃષ્ઠ:Kankavati.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોર્યમા ગોર્યમા રે
કંથ દેજો કહ્યાગરો. - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
નણંદ દેજો સાહેલડી. - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
દેરાણી જેઠાણીનાં જોડલાં. - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
દેર ને જેઠ બે ઘોડલે. - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
ભગર ભેંસના દૂઝણાં - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
કાઠા તે ઘઉંની રોટલી - તમે મારી૦
ગોર્યમા ગોર્યમા રે
મહીં રે માળવિયો ગોળ રે. - તમે મારી૦

રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ.

જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઉંઘાડવા જાય. જઈને માગે:

ગોત્ય ગોર્ય માડી!
ઉઘાડો કમાડી!
હું આવું છું પૂજણહારી.
પૂજણહારી શું માગે ?
ઢીંલલિયાળી ધેડી માગે
પાઘડિયાળો પૂતર માગે
દેરિયાં જેઠિયાંના જોડલાં માગે
દૂઝણિયું ઝોટડિયું માગે

એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે.

પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે -

રિયો રિયો ગોર્યમા આજનો દા'ડો, કાલ્યનો દા'ડો
ઝાંઝરિયા ઘડાવું રે!
તમારા ઝાંઝરિયાને શું કરું,
મારે નદીએ ના'વા જાવું રે!
નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
સરવર ના'વા જાવું રે!