પૃષ્ઠ:Kankavati.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્‌ગાર છે 'યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:' તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્‌ગાર :

'હશે બાઈ ! ભલે ખાધા. ખાનારી યે મારા જેવી જ કોઈ અભાગણી હશે. જેણે ખાધાં એનાં પેટ ઠરજો !'

એ જ રીતે પૂંછડા વગરના સર્પને માટે વૈરોટ્યા બોલે છે : 'બણ્ડા મે જીવતુ ચિરમ્‌' તેની સાથે વ્રત-કથાનો બોલ છે :

ખમા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર,
શેષનાગ બાપ ને નાગણ મા, જેણે પૂર્યા હીર ને ચીર.

બરાબર એ જ શબ્દો, છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે :

'સોઙલિંજર પત્નીં જીયાત્...' વગેરે

આવી તુલના કરતાં, પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાસે છે.

ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકનાં કથાવસ્તુ તો રાજશેખરસૂરિએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાનાં પ્રમાણો છે, એ દૃષ્ટિએ આ નાગપાંચમની કથા પણ પુરોગામી કોઈક અપભ્રંશ લોકકૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે.

પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું

'કંકાવટી' (ભાગ 1)ના 'મોળાકત'ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે :

ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા
ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભુખાળવાં
ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો.

એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના 'ઓખાહરણ'માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજૂલાલ મજુમદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે.

ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે :

[૧]ગોર મા ! માગું રે હું તો કંથજીનાં રાજ, કંથજીનાં રાજ;
ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.

ગોર મા ! માગું રે હું તો સસરાનાં રાજ, સસરાનાં રાજ;
સાસુ તે માગું ભૂખાલડી.

ગોર મા ! માગું રે હું તો દાદાનાં રાજ, દાદાજીનાં રાજ;
માડી રે સદા સોહામણી.

ગોર મા ! માગું રે હું તો જેઠનાં રાજ, જેઠજીનાં રાજ;
જેઠાણી તે મીઠાબોલણી.

ગોર મા ! માગું રે હું તો વીરાજીનાં રાજ, વીરાજીનાં રાજ;
ભાભી તે હાલ હુલાવતી.

  1. પ્રેમાનંદકૃત 'ઓખાહરણ', સચિત્ર પ્રત, કડવું 26.