પૃષ્ઠ:Kankavati.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
કૂવે ના'વા જાવું રે!
ડબ દઈને ડબકી ખાધી
ગોર્યમાં વે'લા આવજો રે!
તમને ચીરના ચંદરવા
તમને અટલસનાં ઓશીકાં
તમને પાંભરિયુંના પડદા
વે'લા આવજો રે. -- રિયો રિયો૦


એવરત-જીવરત


[એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે; નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે ઉજમણું કરે. ઉજમણું કેવી રીતે કરે ? પહોંચ હોય તો પાંચ ગોરાણીઓ નોતરીને લૂગડાં કરે; પહોંચ હોય તો પાંચ ટોપરાંના વાટકા, પાંચ પૈસા, પાંચ સોપારીઓ, પાંચ નાડાછડીઓના કટકા, પાંચ ચાંદલા - એટલી ચીજો આપે. આ વ્રત કરનારીઓ નીચે લખી વાર્તા સાંભળે]

બામણ ને બામણી હતાં. એને પેટજણ્યું ન મળે. બામણ તો રોજ મા'દેવજીની પૂજા કરીને માથે ફૂલ ચડાવે, એટલે મુસલમાન રોજ બામણની પૂજા ભૂંસીને મા'દેવજીને માથે માછલાં ચડાવે.

બામણને તો વિચાર થાય છે કે -

અરેરે ! આ ન કરવાનાં કામાં કરનારો મુસલમાન; એને ઘેર ઘેરો એક જણ્યાં, ને મારે ઘેર ઘોડિયું બાંધવાયે છોરુ નહિ!

દેવળમાં જઈને બામણ તો પેટ છરી નાખવા તૈયાર થાય છે. ત્યાં તો મૂર્તિના મોંમાંથી માકારો થાય છે, કે -

"મા ! મા!"

બામણ કહે : "કાં!"

મહાદેવજી પૂછે છે કે "ભાઈ રે ભાઈ, પેટ કટાર શીદને નાખછ ?"

"અરે મહારાજ ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં; ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરુ ન મળે!"

"એને ઘર જઈને જોઈ આવો તો ખરા!"