પૃષ્ઠ:Kankavati.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો મુસલમાનને ઘેર જઈને જોઈ આવ્યો છે. મા'દેવજી તો પૂછે છે, "ભાઈ, ભાઈ, તેં શું જોયું ?"

"મા'રાજ, મેં તો છાણનો પોદળો જોયો, ને માલીપા કીડા ખદબદતા જોયા!"

"હે ભાઈ, એનાં ઘેરો જણ્યાંની દશા તો એ પોદળામાં ખદબદતા કીડા જેવી જાણજે; જા, તને એક દીકરો દઉં છું. પણ દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા."

બામણને તો વિચાર થઈ પડ્યો છે. એના મનમાં તો થયું કે "ઠીક જીતવા, અટાણે તો દીકરો લઈ લેવા દે ! પછીની વાત પછી જોવાશે."

સ્વસ્તિ કહીને બામણ તો ઘેર ગયો છે. ગોરાણીને તો મહિના રહ્યા છે. નવ મહિને દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એવો રાતે વધે, ને રાતે ન વધે એવો દીએ વધે છે; અદાડે ઊઝર્યો જાય છે. હાં હાં ! કરતાં તો દીકરો છ મહિનાનો, બાર મહનાનો, બે વરસનો થયો છે. એને તો રમાડે છે, ખવરાવે છે ને પીવરાવે છે. દીકરો તો શો મોંઘો ! શો મોંઘો ! કોઈ વાત નહિ એવો મોંઘો ! સાત ખોટ્યનો એક જ દીકરો.

એમ કરતાં તો દીકરો પાંચ વરસનો થયો છે. માબાપને તો વિચાર થયો છે કે અરેરે, દીકરાને નહિ ભણાવીએ તો પેટ ખાશે શું ? ને નહિ પરણાવીએ તો વસતી રે'શે શું?

ઠીક, જે થાય તે ખરું ! વધાવી લો નાળિયેર. નાળિયેર તો વધાવી લીધું છે. એમ કરતાં તો લગન આવ્યાં છે. દીકરાને તો પરણાવવા ચાલ્યાં છે. જાડેરી જાન જોડી છે. બેન્યું, ભાણેજું, કાકા, મામા, કળશી કુટુંબ જાનમાં સોંડ્યું છે.

પરણાવીને જાન તો પાછી વળી છે. સાંજ પડ્યે ગામનો સીમાડો આવ્યો છે. સૂરજ તો આથમી ગયો છે અને આભમાં વાદળાં ઘેરાણાં છે. અનરાધાર મે તૂટી પડ્યો છે.

બરાબર શ્રાવણ મહિનાની અમાસ અને એમાં ભળ્યો મે. અંધારું ! અંધારું ! ઈ તો કાંઈ અંધારું ! અને ધરતી માથે તો પાણી! પાણી! પાણી તો ક્યાંય માતાં નથી.

ઢાંઢાં હાલતા નથી. એટલે સૌ ગાડામાંથી ઊતરી જાય છે. વરઘોડિયાં કહે, અમેય ઊતરી જઈએ. ઊતરીને વરવહુ તો બેય હેઠે હાલવા મંડ્યાં છે.

એમાં વરના જમણા પગને અંગૂઠે સરપડંસ થયો છે. વીજળીના અંજવાસમાં જોયું તો પાણીના વહેણ માથે વેંત એકનો પટો પડ્યો જાય અને કાળોતરો એરુ હાલ્યો જાય છે.

વર કહે, "મા! બાપા! મારાથી હલાતું નથી. મારી આંખે લીલાં પીળાં આવે છે."

એમ કહીને વર તો બેસી ગયો છે. એનું તાળવું તો ફાટી ગયું છે. એ ટાણે તો ત્યાં ધાપોકાર થઈ રહ્યો છે.

જાનૈયા બોલ્યા, " અરે ભાઈ, આ માથે મેની રમઝટ: આ અનગળ પાણી પડે છે: આ અંધારી રાત : અટાણે આંહી રહીને શું કરશું ? આપણેય જીવના જાશું. અટાણે આ મડદું ભલે આંહીં પડ્યું . સવારે આવીને આપણે એને અગનદાહ દેશું. અટાણે હાલો સૌ ગામમાં."