પૃષ્ઠ:Kankavati.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"દઈશ જ તો !"

એમ કહીને બાઈએ તો બાળોતિયું લીધું છે. બાળોતિયામાં વીંટીને છોકરાનો ઘા કર્યો છે: "આ લ્યો, માતાજી !"

છોકરાંને ઝીલીને એવરત મા તો અલોપ થયાં છે.

સવાર પડ્યું છે. સાસુ જુએ તો માંચીમાં છોકરો ન મળે !

"અરે વહુ, આપણો છોકરો ક્યાં ? કોઈ કૂતરું-મીંદડું આવ્યું'તું શું ?"

"મને કાંઈ ખબર નથી."

વહુએ તો ટૂંકો જવાબ વાળ્યો છે. એને તો કાંઈ ફાળ કે ફડકો નથી. સાસુને તો વહેમ પડ્યો છે."

"હાય ! હાય ! નભાઇ, સ્મશાનમાં રાત રહી આવી ને ડાકણ થઈ આવી ! છોકરો ખાઈ ગઈ."

વહુ કહે, "હા, હું ખાઈ ગઈ, હું !"

આખા ગામમાં તો હાહાકાર બોલી ગયો છે કે બામણની વહુ તો સમશાનમાં જઈ આવી ને ડાકણ થઈ આવી !

ધાવતું છોકરું હોય તો ઉબેલ હોય. ધાવતું છોકરું ન હોય તો તરત આશા રહે. એટલે બાઈને તો તરત ઓધાન રહ્યાં છે. દી ચડવા માંડ્યા છે. નવ મહિને બીજો દીકરો આવ્યો છે. સાસુએ તો વિચાર્યું છે કે-

'આજ તો નભાઈ ચૂડેલને ખાવા દઉં જ નહિ ! એની પાસે છોકરાને સુવરાવું જ નહિ!'

એમ કહીને સાસુએ તો બીજા ઓરડામાં માચી મૂકી છે. માચીમાં છોકરાને સુવાડ્યો છે. પોતે તો પડખે સૂતી છે. માલીપાથી ઓરડાને તાળું માર્યું છે.

અધરાત થઈ ત્યાં તો જીવરત મા આવ્યાં છે.

"દીકરી ! દીકરી ! સૂતી છો કે જાગછ?"

"જાગું છું જ તો, માતાજી"

"બોલે પળવું છે ને ?"

"હા જ તો માતાજી !"

"તો લાવ્ય તારો દીકરો ! "

"દીકરો તો સાસુએ સંતાડ્યો છે."

"પણ તું તો આપછ ને ?"

"હા જ તો માતાજી, હું તો આપી ચૂકી છું ને!"

"તો લાવ્ય બાળોતિયું."

બાઈએ તો બાળોતિયું ફગાવ્યું છે. જીવરત માએ તો સાસુને ઓરડેથી છોકરો બાળોતિયામાં ઉપાડ્યો છે. ઉપાડીને પોતે તો અલોપ થઈ ગયાં છે.