પૃષ્ઠ:Kankavati.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફળિયામાં માચી, માલીપા દીકરો અને ફરતી સાતથરી ચોકી મેલી છે. રાજા પંડે ઉઘાડી તરવારે માચી આગળ બેઠા છે.

ગામને પણ રોણું, જોણું ને વગોણું થયું છે. ફળિયામાં ને ઓસરીમાં તો આખા ગામનું માણસ હલક્યું છે.

માણસ ! માણસ ! ઇ તો મનખો ક્યાંય માતો નથી.

બરા...બર અધરાત થઈને વજૈયા માતા આવ્યાં છે. અરે સાતથરી શું, સોથરી ચોકી મેલોને ! માતાજીએ તો દાણા છાંટીને સહુને ઘારણ વાળી દીધું છે. સડેડાટ પોતે ઓરડામાં હાલ્યાં ગયાં છે. જઈને સાદ દીધો છે :

"દીકરી, દીકરી ! સૂતી છો કે જાગછ?"

"જાગું છું, માતાજી "

"વચને પળવું છે ને ?"

"હા જ તો, માતાજી !"

"તો લાવ્ય દીકરો."

"મારી પાસે ન મળે."

"પણ તું તો આપી ચૂકી છો ને ?"

"તે દીની જ."

"તો લાવ્ય બાળોતિયું."

બાળોતિયું લઈને માતાએ તો દીકરાને તેડી લીધો છે. તેડીને અલોપ થયાં છે.

આંખ મીંચાણી ને ઊઘડી ત્યાં દીકરો અલોપ!

સહુ ખોઈ જેવાં મોઢાં લઈને પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં છે.

બીજા નવ માસ થયા અને બાઈને તો દીકરી આવી છે. દીકરીને તો પથરો ય પડતો નથી. સાસુ સુવાડે તો ય સૂઈ રહે ને વહુ સુવાડે તો ય સૂઈ રહે છે, સૌ બોલે છે કે -

"નભાઈ ચુડેલ ! ચાર દીકરા ભરખીને હવે છોકરીને જીવાડે છે!"

🌿

ચાર વરસના ચાર વ્રત પૂરાં થયાં છે. બાઈ કહે છે કે "બાઈજી, બાઈજી, મારે તો ગોરણિયું જમાડવી છે. વ્રતનાં ઉજવણાં કરવાં છે."

સાસુ કહે, "તને ફાવે તેમ કરને, ભા !"

બાઈ તો નાહી ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા... ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે -