પૃષ્ઠ:Kankavati.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એરવત જીરવત
અજૈયા વજૈયા!
ચારેય બેન્યું મારે ઘેર જમવા આવજો.
ચારેયને ગોરણિયું કહી જાઉં છું.

ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે. સાસુ તો આડોશીપાડોશીમાં પૂછી આવી છે કે "બાઈ બાઈ, મારી વહુ કોઈને ગોરણી નોતરી ગઈ છે ?"

સૌ કહે કે "ના રે, બાઈ !"

"ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે ?"

જમવાનું ટાણું થયું છે. ત્યાં તો ચારેય દેવીઓ ચારેય દીકરાને આંગળીએ વળગાડીને હાલી આવે છે.

સાસુડી તો જોઈ રહી છે ! ઓહો શાં રૂપ ને શાં તેજ ! આ તે શું ? વહુ ગરાસણિયુંને ગોરાણી કહી આવી હશે !

ચારેય માતાજીના પ્રથમ તો પાણીએ પગ ધોયા છે. પછી દૂધે પગ ધોયા છે. અંગૂઠાના ચરણામૃત લીધાં છે. ચારેયને કંકુએ પીળેલ છે. પછી જમવા બેસારેલ છે.

ચારેય માતાજી તો જમ્યાંજૂઠ્યાં છે. જાવા તૈયાર થયાં ત્યાં તો ઘોડિયામાંથી છોકરીએ રોવું આદર્યું છે.

ચારેય બેન્યું પૂછે છે કે "ગગી, કેમ રોઈ ?"

દીકરી કહે છે કે "સૌને એક ભાઈ ને મારે એકેય નહિ !"

"આ લેને માડી, તારો ભાઈ !" કહી એવરતે આંગળીએથી દીકરો સોંપ્યો. વળી થોડુંક હાલ્યાં. વળી દીકરી રોઈ. જીવરત માએ પૂછ્યું:

"ગગી, કેમ રોઈ?"

"સહુને બબ્બે ભાઈ ને મારે તો એક જ !"

"આ લે ને, બીજો ભાઈ!"

એમ કહી જીવરતે ભાઈ દીધો છે. વળી આગળ હાલ્યાં ત્યાં દીકરી રોઈ છે.

"ગગી, કેમ રોઈ?"

"સહુને ત્રણ-ત્રણ ભાઈ ને મારે તો બે જ !"

"આ લે ને, ત્રીજો ભાઈ !"

એમ કહીને અજૈયા માએ ત્રીજો ભાઈ દીધો છે. વળી આગળ હાલે ત્યાં દીકરી રોઈ.

"કેમ રોઈ, માડી ?"

"સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ !"

"આ લે, ચોથો ભાઈ !"