પૃષ્ઠ:Kankavati.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહીને વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે. ચારેય જણીઓ ચાર દૂધમલિયા દીકરા દઈને ચાલી નીકળી છે.

બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, કે'પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતા એ પાછા દીધા છે.

ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર ચાર દીકરા ચડાવ્યા'તા ! અરે બાઈ ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં'તાં ! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે.

વહુના વ્રતની તો "જે ! જે!" બોલાણી છે. સાસુ-સસરો તો વહુને પાયે પડ્યાં છે.

એવરત-જીવરત ને [૧]અજૈયા-વજૈયા એને ફળ્યાં એવાં સૌને ફળજો!


તુલસી-વ્રત


[આ વ્રત પૌરાણિક કથાને આધારે પ્રવર્ત્યું છે. પરંતુ લોકસમુદાયે એને પોતાની રીતે સરલ, શુદ્ધ અને કાવ્યમય બનાવ્યું છે. કાર્તિક સુદ અગિયારસે એટલે કે દેવદિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપે, તુલસીના વૃક્ષ સાથે વિવાહ ઊજવાય છે. એ પરથી સારો સ્વામી મેળવવાની કામના અર્થે કુમારિકાઓને કાજે આ વ્રત યોજાયું છે. પરંતુ જ્યારે પુરાણ તો આ વ્રતની આડમ્બરમય જટિલ વિધિઓ અને અતિશયોક્તિભર્યો મહિમા વર્ણવે છે ત્યારે લોક-કવિએ તો એની અત્યુક્તિનું છેદન કરી એને સાદા સાંસારિક ભાવોથી સુવાસિત કરી નાખ્યું.]

ચોમાસાના લાંબા દા'ડા સૂતાં સે'વાય નહિ, બેઠાં વાણું વાય નહિ.


તુળસીમા, તુળસીમા, વ્રત દ્યો, વરતોલાં દ્યો.
તમથી વ્રત થાય નહિ ને વ્રતનો મહિમા પળાય નહિ.
થાય તોય દ્યો ને નો થાય તોય દ્યો!
અષાઢ માસ આવે;
અજવાળી એકાદશી આવે,
સાતે સરે ગાંઠે દોરો લેવો,
નરણાં ભૂખ્યાં વાત કહેવી,
વાત ન કહીએ તો અપવાસ પડે.
પીપળાને પાન કહેવી,
કુંવારીને કાન કહેવી,
તુળસીને ક્યારે કહેવી,
ગાને ગોંદરે કહેવી,
ઘીને દીવે કહેવી,
બ્રાહ્મણને વચને કહેવી,

  1. જયા વિજયા