પૃષ્ઠ:Kankavati.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ગોર મા ! માગું રે હું તો પુત્રપરિવાર, પુત્રપરિવાર;
વહુવર પાયે રે લાગતી.

ગોર મા ! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;
ઝાઝું તો કંઈએ નથી માગતી.

પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું, કે લોકસાહિત્યે પ્રેમાનંદમાંથી ? બેમાંથી કોણ જૂનું ? કોણ મૌલિક ? કોણ વધુ ચમત્કૃતિમય ? એ પ્રશ્ન તપાસવા જેવો છે.

રાજસ્થાની ગણગોર

એ જ કૃતિમાંથી પા.15 પરનું જોડકણું જુઓ : 'ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી' વગેરે. ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દેશબ્દે મળતું રાજસ્થાની લોકગીત :

ગવર ગિણગોર માતા, ખોલ કિંવાડી
બહાર ઊભી થારી પૂજણવાળી
પૂજો એ પૂજાયાં બાયાં, આસણ કાસણ માંગાં
જળહર જામી બાબો માંગાં, રાતા દેઈ માય
કાન્હકંવર-સો વીરો માંગાં, રાઈ-સી ભોજાઈ
સાંવળિયો બહનોઈ માંગાં, સોદરા બહન માંગાં
હાંડા ધોલણ ફૂકો માંગાં, ઝાડૂ દેવણ ભૂવા
['રાજસ્થાન કે લોકગીત' પ્રથમ ભાગ : પૂર્વાર્ધ, પાનું 43.]

એક જ તહેવાર, એક જ વ્રત, સમાન ભાવ અને સરખા શબ્દો. રાજસ્થાની લોકસાહિત્યના ભાષાભાવનાં નીર એકમેકમાં વહેતાં હતાં. પાણી એક જ હતાં, આરા જ ફક્ત જુદા હતા.

દેવાદિક તત્ત્વ પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્યદર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે 'કંકાવટી'નો આ એક જ ભાગ પૂરતો નથી. એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રકટ કરી ચૂક્યો છું. તેમ એમાં મેં સુદીર્ઘ ને સવિસ્તર પ્રવેશક પણ આપેલ છે. નરી વાર્તાદૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે. પણ તે ઘણાં વર્ષો પાછળથી પ્રકટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ તે તરફ ગયું લાગતું નથી.

રાણપુર : 9-10-41
ઝવેરચંદ મેઘાણી