પૃષ્ઠ:Kankavati.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂરજની સાખે કહેવી,
કારતક માસ આવે,
અજવાળી એકાદશી આવે,
(ત્યારે) વ્રતનું ઉજવણું કરવું,
પે'લે વરસ લાડાવો ને ગાડવો,
આવે ચોખો જનમારો;
બીજે વરસ મગનું કૂંડું,
રે'એવાતણ ઊંડું;
ત્રીજે વરસ સાળ સૂપડું
આવે સંસારનું સુખડું.
ચોથે વરસ રચણાં ચોળી
આવે ભાઈ પૂતરની ટોળી.
પાંચમે વરસે ખીર ખાંડે ભર્યાં ભાણાં
આવે શ્રી કૃષ્ણનાં આણાં
હે તુળસીમાં,
વ્રત અમારું ને સત તમારું.


વીરપસલી


કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી હતાં. દીકરી તો સાસરે ગઈ છે ને દીકરો માની આગળ છે.

શ્રાવણ માસ આવ્યો છે. અંજવળિયો આતવાર આવ્યો છે. વીરપસલી આવી છે.

ડોશી તો દીકરાને કહે છે કે,"ભાઈ ભાઈ ! તું બેનની વીરપસલી લઈને જા."

ભાઈ તો વીરપસલી લઈને બેનને ઘેર જાય છે, રસ્તે મોટો એરુ મળ્યો છે.

એરુ કહે, "હું તને કરડું ને કરડું."

"ના ભાઈ, આજ તું મને કરડીશ મા. મારી બેનને આજ વીરપસલી છે, તે બેન બિચારી વાટ જોઈને બેસી રહેશે. કાલ પાછો આવું ત્યારે કરડજે."

એરુ કહે,"કાલ તું પાછો આ રસ્તે નીકળે જ શેનો? બીજે જ રસ્તે નીકળ તો?"

"નીકળ્યા વગર રહું જ નહિ. ને તને મારો વિશ્વાઅસ ન પડે તો લે હું ખડનો પૂડો વાઢી લઉં, એમાં તું બેસી જા. કાલ પડે એટલે તું મને કરડી ખાજે."

ભાઈએ તો ખડનો પૂળો વાઢ્યો છે. એરુને પૂળામાં બેસાડી દીધો છે. બેસાડીને પૂળો તો ખંભે નાખી લીધો છે. બેનને ઘેર જતાં તો બહુ મોડું થયું છે. બેન તો બિચારી વાટ જોઈ જોઇને થાકી ગઈ છે. થાકીને બેન તો રેંટિયો કાંતવા બેસી ગઈ છે.

કાંતતાં કાંતતાં વિચાર કરે છે: અરેરેમ, ભાઈ કેમ ન આવ્યો ! હજીય ભાઈ કેમ ન આવ્યો!