પૃષ્ઠ:Kankavati.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં તો ભાઈએ બારણું ઉઘાડ્યું છે.

ભાઈને દીઠો ત્યાં તો કાંતતાં બેનનો ત્રાગડો તૂટી જાય છે.

બેનને તો ફાળ પડી કે મારો ભાઈ આવ્યો ને ત્રાગડો કેમ તૂટી ગયો! ત્રાગડો સાંધીને ઊઠું તો ભાઈની આવરદા સંધાય.

ભાઈને તો ખોટું લાગ્યું છે. અરેરે, હું આવ્યો છું; કાલ તો મરી જવાનો છું, તો ય મારે બેન તો હજી ઊઠતી યે નથી.

બેન તો ત્રાગડો સાંધીને ઊઠી છે, ઊઠીને ભાઈના ઓવારણાં લીધાં છે. વીરપસલીનો દોરો ઊજવ્યો છે. ભાઈને જમાડવા લાપસી કરે છે.

ખારણિયામાં સોપારી નાખી, સાંબેલાના ચાર આંટા ફેરવી, સોપારી ભાંગતી બેન બોલે છે કે,

શિરછત નવખંડ ધરતીમાં
મારા ભાઈનું જે ભૂંડુ વાંછે
એના સા...ત કટકા થઈ જજો!

આટલું બોલ્યા ભેળો તો, છાપરે ભાઈએ ખડનો પૂળો મેલ્યો'તો તેમાં એરુના સાત કટકા થઈ ગયા છે.

રાત પડી છે ભાઈ કહે કે,"બેન, હું કાલે જઈશ ને જઈશ."

બેન કહે,"ના ભાઈ , નહિ જ જવા દઉં."

પણ ભાઈને તો થયું છે કે બેનને આંગણે એરુ કરડે ને હું મરી જાઉં તો બેન બિચારી રોઈ રોઈને મરે. એનાથી મારું મોત શે' જોવાય ! માટે હું તો માર્ગે જ જઈને મરું.

બેન તો ઘણી તાણ કરે છે. પણ ભાઈ કેમે ય કરી માનતો જ નથી.

રસ્તે મારા ભાઈને ભાતું જોશે! એમ સમજીને બેને તો ઘઉંના લોટના ખાખરા કર્યા. કરીને ખારાણીએ ખાંડવા બેઠી, ચૂરમું ખાંડી, ઘી ગોળ ભેળવી, જ્યાં લાડવા વાળવા બેસે છે, ત્યાં સાપના સાતેય કટકા એક્કેક લાડવામાં અક્કેક ગરી જાય છે.

સવાર પડ્યું છે. સાતેય લાડવા બેને ભાઈને ભાતામાં બંધાવ્યા છે. ભાઈ કહે,"આ લે, એક લાડવો પાછો. ભાંકો ને ભાંકી ઊઠે ત્યારે ભાંગીને બેયને ફાડિયું ફાડિયું દેજે."

ભાઈ તો હાલી નીકળ્યો છે. વાંસેથી ભાંકો-ભાંકી તો ઊઠ્યાં છે. રાડો રાડો પાડવા માંડ્યાં છે કે મામો ક્યાં ગયા? મામો ક્યાં ગયા?

મા કહે," મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ."

લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે.