પૃષ્ઠ:Kankavati.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાય હાય! મારો ભાઈ લાડાવા ખાશે તો શું થશે?

એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે -

" મારા ભાઈને ખમા કરજો ! મારા ભાઈને ખમા કરજો !"

ભાઈ તો વાટે ચાલ્યો જાય છે. એના મનમાં તો થાય છે કે ક્યાંઈક તળાવળી દેખું તો ટીમણ કરવા બેસું. પણ એનાથી બહુ આગાળ ચલાતું નથી. બેને તાગડો સાંધીને ભાઈની આવરદા સીધી'તી ખરી ને, તે ભાઈને તો રસ્તામાં ચારે દૃશ્યે તાગડા તાગડા દેખાય છે, મારગ સૂઝતો નથી. ભાઈ આગળ હાલી શક્તો નથી. બેનને અને ભાઈને તો છેટું ભાંગતું જાય છે. બેન તો ધા દેતી દોડી આવે છે.

એમ કરતાં નાની તલાવડી આવી છે. ભાઈ તો ભાતું ખાવા બેસે છે, બેસીને પોટલી છોડવા જાય છે, ત્યાં તો "ભાઈ ! છોડીશ મા ! છોડીશ મા !"

એમ ચીસેચીસ નાખતી બેન જઈ પહોંચી છે. જઈને લાડવા ભાંગ્યાં છે. ત્યાં તો છયે લાડવામાંથી એરુના છ કટકા નીકળ્યા છે.

બેને પૂછ્યું કે ," હે ભાઈ, આ કૌતક શું?" ભાઈએ તો એરુની વાત કરી છે. બેનને તો વાત સમજાણી છે કે વીરપસલી માને પ્રતાપે એરુના સાત કટકા થઈ ગયા છે. બેને તો ખાડો ગાળ્યો છે, લાડવા ભોંયમાં ભંડાર્યા છે. ભાઈને પાછો ઘેર તેડી જાય છે. જમાડે છે ને જુઠાડે છે.

વીરપસલી મા એને ત્રુઠમાન થયાં એવાં સહુને થાજો!


વીરપસલી

વાત બીજી


કણબીને સાત દીકરા હતા. સાતેય ભાઈ વચાળે એક બેન હતી.

બેનને તો પરણાવેલી છે, પણ સાસરેથી કોઈ એને તેડતું નથી. જમાઈ તો દીકરીની સામુંય જોતો નથી.

સાત ભાઈમાંથી છ પૈસાદાર, ને સાતમો ગરીબ. બેનને તો ભાઈઓ સંઘરતા નથી. બેનતો માવતર ભેગી રહે છે અને રોજ ઊઠીને ભાઈઓના વાછડા ચરાવવા વગડામાં ચાલી જાય છે.

શ્રાવણમાસ આવ્યો છે. અંજવાળિયો આતવાર આવ્યો છે. નદીને કાંઠે તેવતેવડી છોડીઓ વીરપસલીના દોરા લે છે, નાય છે ને ધોવે છે.