પૃષ્ઠ:Kankavati.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કણબીની દીકરી વાછડા ચરાવવા જાય છે ત્યાં એણે નદીકાંઠે સૌ છોડીઓને દોરા લેતી દીઠી છે. એણે તો પૂછ્યું છે, કે-

"બાઈયું, બેન્યું, આ તમે શું કરો છો?"

"અમે તો વીરપસલીના દોરા લઈએ છીએ.આજ તો વરસ દીનું ભાઈનું વ્રત છે. આજ તો ભાઈ જે આપે તે જ ખવાય."

"વીરપસલીના દોરા લીધે શું થાય ?"

"વીરપસલી મા ભાઈને સુખી રાખે; બેનનેય સૌ સારા વાનાં થાય."

"બાઈ તો નિસાસો નાખીને ઊભી રહી છે. એ તો બોલે છે કે "અરેરે ! કોઈને એક ભાઈ હોય, કોઈને બે ભાઈ હોય; મારે તો ઘણાયે સાત ભાઈ છે ! પણ મને તો વ્રતનું ઊજવણું કોણ કરાવે ? નાનો ભાઈ ગરીબ છે . મોટા જરા જીવવાળા છે, પણ હોંકારોય દેતા નથી.”

તોયા બેન તો દોરા લેવા બેઠી છે, છોડીઓમાંથી કોઈએ ચીર માયલો, કોઈએ ચૂંદડી માંયલો, એમ આઠ તાંતણા કાઢ્યા છે, ને આઠ ગાંઠ વાળી છે. કહ્યું છે, કે-

“ આ લે, બેન, આઠ દી લગણ દેવતા પૂજજે; નાહી ધોઈ સાંજે દોરાને ધૂપ દેજે, ધૂપ દઈને જમજે. આઠમે દીએ દોરો ઊજવજે. દોરો પીપળે બાંધી આવજે.”

દોરો લઈને દીકરી ઘેરે આવી છે. માને એણે વાત કરી છે. કહ્યું છે કે “માડી, આજથી ચૂલામાં દેવતા ભારી મેલું છું. કોઈ મારો દેવતા ઠારશો મા.”

ભોજાઈઓને તો ખબર પડી છે. ભોજાઈઓને તો ખેધ જ હોય ને ! એક બીજી ખિખિયાટા કરવા માંડી છે કે “આ જો ને આ ! ઉજડિયા ઘરને બાળી બાળીને તો બેઠી છે, ને વળી આંહીં આવીને કૂડલા કટુડિયા કરે છે. કોણ જાણે શું યે દોરાધાગા લાવી છે!

મા બિચારી આંખે આંધળા જેવી, એટલે એક ઠેકાણે બેસી રહે અને ભોજાઈઓ આવીને ચૂલામાં પાણી નાખી જાય.

દીકરી તો નદીએ નાહીન ઘેર આવે ત્યાં દોરાને ધૂપ દેવા દેવતા ન મળે !

“માડી , આ મારો દેવતા કોણે ઠારી નાખ્યો ?”

“બેટા ! તારી ભોજાયુંએ ! બીજા કોણે ?”

“સારું માડી ! હું હવેથી કટુડિયામાં દેવતા લઈને સીમમાં જઈશ. વાછરુંના કાનમાં દાણા મેલીશ. એ સાંભળશે ને હું વાર્તા કહીશ.”

એમ કરતાં આઠ દી થયા છે. દીકરી તો બોલી છે કે “માડી !આજ તો મારો દોરો ઊજવાવો છે. આજ તો ભાઈ દેશે તે જ જમાશે.”

મા કહે , “ માડી, ભાઈયુંને ઘેર જઈને માગી આવ.”

બેન તો મોટેરા ભાઈઓને ઘેર ગઈ છે. જઈને પૂછે છે, “ભાભી, ભાભી, મારો ભાઈ છે?”