પૃષ્ઠ:Kankavati.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મળ્યું તે બધું ય માએ તો ઠાંસીઠાંસીને દીકરીની બચકીમાં ભર્યું છે. ભૂખી તરસી દીકરીને માએ તો તે ને તે ટાણે વળાવી દીધી છે. દીકરી કહે કે ," માડી, હું તો માર્ગે ઊજવણું કરી લઈશ."

વળાવીને મા ઘેર આવી. ત્યાં તો સાંભર્યું કે દીકરી દેવતા ભૂલી ગઈ છે. અરેરે! બાપડીને દોરો ઊજવતાં વગડામાં વપત પડશે.

મા તો દેવતા લઈ વાંસે દોડી છે. "દીકરી દેવતા! દીકરી દેવતા!" કરતી શ્વાસભેર દોડી જાય છે.

જમાઈએ સાસુનો સાદ સાંભળ્યો. ઊભાં રહ્યાં છે. વહુને વર કહે તારી મા જેવું કોઈક આવતું લાગે છે. આઘે ધુમાડો દેખાય છે.

માએ તો આવીને દીકરીને દેવતા દીધો છે. દઈને મા તો પાછી વળી છે. સ્વામી તો માર્ગે મશ્કરી કરવા માંડ્યા છે કે તારી માને બીજું કાંઈ ના મળ્યું કે દેવતા દેવા દોડી!

બાઈ કહે, "સ્વામીનાથ ! મારે તો સારા પ્રતાપ એ દેવતાના, કે તમે નો'તા તેડતા ને તેડી. મારે વીરપસલીનું ઊજવણું કરવું છે. હું હજી ભૂખી છું. આહીં આપણે વિસામો ખાઈએ."

એક વાવ છે ત્યાં વર વહુ ઊતર્યાં છે. બાઈ તો દોરાનો ધૂપ દઈને ના'વા ગઈ છે. નાઈને નીતરતે લૂગડે વાવમાંથી નીકળીને પગથિયે ઊભી રહી છે, અને સ્વામીને સાદ કરીને કહ્યું છે:

"સ્વામીનાથ, ઓલ્યા બચકામાંથી એક ગાભો કાઢીને ફગાવો તો?"

ધણી તો બચકી ઉઘાડે ત્યાં એક એકથી ચડિયાતાં હીર ચીર ને અંબર દીઠાં છે એણે તો પૂછ્યું છે:

"હે સતી ! આમાંથી કયા રંગનું ચીર આપું?"

"અરેરે! ચીર કેવાં ! મારી ગરીબ માની મશ્કરી કાં કરો?" એમ બોલતાં બોલતાં બાઈની આંખમાંથી દડ! દડ! દડ! દડ! આંસુડાં પડવા મંડ્યા છે.

"ના રે ના, હું મશ્કરી નથી કરતો. આમ જુઓ!" એમ કહીને સ્વામીનાથ તો બધાં ચીર બતાવે છે. બાઈએ તો જાણ્યું કે મારી વીરપસલી મા ફળ્યાં છે.

બાઈએ તો હીરચીર પહેરી લીધાં છે. એના રૂપ તો ક્યાંય માતાં નથી. બાઈ ધણીને કહે છે:

"લ્યો સ્વામી નાથ! મારા ભાઈએ ત્રાંબિયો દીધો છે. પડખેના ગામમાં જઈને એનું કાંઈક સીધું લઈ આવો!"

એમ કહીને ત્રાંબિયો કાઢે ત્યાં તો સોનામહોર થઈ પડી છે!

ધણી તો ગામમાં ગયો છે. વાંસેથી બાઈ તપાસે તો નાના ભાઈના દીધેલ કોદરા સાચેસાચ કાંઢા ઘઉં થઈ પડ્યા છે. ધૂળનું ઢેંફું ગોળનું દડબું થઈ ગયું છે. ને પાણીના લોટકામાં ભેંસનું ઘી થઈ ગયું છે.