પૃષ્ઠ:Kankavati.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોતજોતામાં તો બાઈ જ્યાં બેર્ઠી હતી ત્યાં મહેલ-મો'લાત થઈ પડી છે. અને પોતે તો વાવની પાળને બદલે ગોખમાં બેઠી છે!

ગામમાંથી ધણી જ્યાં આવે ત્યાં એને તો અચરજ થયું છે કે અરે ! આંહીં મોલાતું કેવી !અને મારી અસ્ત્રી ક્યાં !

ક્યાં છો ? ક્યાં છો? એમ સાદ પાડતો સ્વામી ગોતે છે, ત્યાં તો - 'આંહીં છું આંહી છું !' એમ ગોખમાં બેઠેલી અસ્ત્રી જવાબ આપે છે. ધણી મેડીએ જાય છે.

રાંધવા સારુ બાઈ તો ઘરમાં ચૂલો ખોદે છે. પણ જ્યાં ખોદે ત્યાં સોનાના ચરુ ! જ્યાં ખોદે ત્યાં સોનાનાં ચરુ ! ધરતી તો દેખાય જ નહિ!

હાથ જોડીને બાઈ તો બોલી છે કે " હે વીરપસલી મા! ત્રુઠમાન થયાં તો ભલે થયાં, પણ રાંધી ખાવા જેટલી જગ્યા તો આપો ! અમે ભૂખ્યાં થયાં છીએ."

એટલું કહ્યું ત્યાં તો ધરતી હતી તેવી થઈ ગઈ છે. રાંધી ચીંધીની ખાધું છે. વરવહુ બે ય જણાંએ તો ત્યાં જ વાસો કર્યો છે.

🌿

થોડાંક વરસ વીત્યાં ત્યાં તો બાઈના પિયરમાં દુકાળ પડ્યો છે, સાતેય ભાઈઓનું બળીને બુંદ બેસી ગયું છે. સાતેયને ખાવા ધાન નથી રહ્યું.

સાત ભાઈ, સાત ભોજાઈ, મા ને બાપ; એમ સૌ દાડી ગોતવા હાલી નીકળ્યા છે. હાલતાં હાલતાં ઊડતા વાવડ મળ્યા છે કે ફલાણે ઠેકાણે કામ હાલે છે ત્યાં જકોઈ શેઠિયો દાડિયાં દપાડિયાં રાખે છે.

વગડામાં જ્યાં બાઈની મેડીઓ હતી ત્યાં સહુ આવી પહોંચ્યાં છે. બાઈએ તો પોતાનાં ભાંડરડાંને, ભોજાઈઓને અને માવતરને ઓળખી કાઢ્યાં છે, પણ પોતે બોલતી નથી.

"બાઈ, બેન, દાડીએ રાખશો?"

"ભલે, બહુ સારું!"

એમ કહીને બાઈ છ ભાઈને કહે, " તમે કોદળી-પાવડા લો."

છ ભોજાયું ને કહે, "તમે સૂંડલા-તગારાં લ્યો."

નાનેરા ભાઈને કહે, "તમે દુકાન ચલવો."

નાનેરી ભોજાઈને કહે, "ચૂલા આગળ રહો."

ડોસીને કહે, "ઘોડિયાની દોરી તાણો."

ડોસાને કહે, " ડેલીએ બેસીને સૌને કણક આપો."

સૌ સૌને કામે લાગી પડ્યાં છે. છયે ભાઈને અચરજ થાય છે કે શેઠાણી નાનેરાને કેમ સૌથી સારી રીતે રાખતાં હશે ! પણ સમસ્યા તો સમજાતી નથી.

એમ કરતાં તો ભાઈબીજ આવી છે. જમનાજીએ પોતાના ભાઈ જમરાજાને જે દી જમવા નોતર્યા'તા ને સામસામાં ભાઈ-બેને પાટલે બેસીને પૂજા કર'તી તે કારતક શુદ