પૃષ્ઠ:Kankavati.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજ આવી છે. બેને તો સાતેય ભાઈઓને કહ્યું છે:

"તમે મારા જીભના માનેલ ભાઈ છો. તમે આજે જાશો મા. આજ અણોજો પાળજો. આખું કુટુંબ મારે ઘેર જમવા આવજો."

સાતેય ભાઈને જમવા બેસાર્યા છે. છ મોટેરાઓની થાળીમાં અક્કેક સોનાનો ઘડાવેલ દેડકો અને કડવા લીંબડાની ભાજી પીરસી છે અને નાનેરાના ભાણમાં લાપસી મેલી છે. નાનેરો તો ખાવા માંડ્યો છે, પણ મોટેરા શું ખાય? સોનું કાંઈ ખવાતું નથી, અને લીંબડાની ભાજી તો કડવી ઝેર લાગે છે. છયે ભાઈઓ સામસામાં મોઢાં વકાસીને જુએ છે.

બેન પૂછે છે, "કાં ભાઈ, કેમ ખાતા નથી?"

"બેન, બેન, ભાજી બહુ કડવી લાગે છે."

"હું ય તમને છયેને એ ભાજી જેવી કડવી લાગતી'તી. કેમકે તે દી તમારે ઘેર સોનું હતું."

એટલું કહ્યું છે, ત્યાં તો છયે ભાઈ ચમકે છે. એને પોતાની બેન સાંભરે છે. બેનની અણસાર ઓળખાય છે. ઘયેને મોઢે તો મેશ ઢળે છે.

વળી પાછી બેન બોલી છે કે" આ નાનેરા ભાઈના ઘરમાં તો કાંઈ નો'તું. એને મને ધૂળનું ઢેફું, પાણીનો લોટકો અને ખોબો કોદરા આપ્યાં, પણ ઊજળે મોઢે આપ્યા. આજ સારા પ્રતાપ મારે એના , કે વ્રતનું ઊજવણું થયું ને વીરપસલી માએ મારો દી વાળ્યો."

છયે ભાઈ અને છયે ભોજાઇની આંખે શ્રાવણ ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ-ભોજાઈ વીનવે છે કે બેન, અમારા અપરાધ માફ કર!

સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો.

વરસ રે વાદળી
વીરના ખેતરમાં!
બંટીનું ઢેબરું
બેનના પેટમાં!


[ચાતુર્માસમાં વીરપસલી વ્રત રહેતી બહેન વાદળી જોઈને કહે છે કે 'હે વાદળી ! મારા ભાઈના ખેતરમાં વરસજે' કે જેથી મને - બહેનને - ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.]