પૃષ્ઠ:Kankavati.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ વિચારીને લટ પટ ! લટ પટ ! કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે, પણ પાણીશેરડાને અરધે રસ્તે મા તો સામી મળી છે. માએ તો નોળિયાને લોહીલોહાણ ભાળ્યો છે. મોઢે લોહી, પગે લોહી; લોહી ! લોહી !

ભાળીને બાઈ તો ભેસત ખાઈ ગઈ છે. એને તો થયું કે હાય હાય ! પીટ્યાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે. પીટ્યાને પાળ્યો, ઉઝેર્યો, પણ જનાવર ખરો ને!

બાઈને તો રીસ ચડી છે. નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પછાડ્યું છે. નોળિયાની સુંવાળી કેડ તો તરત ભાંગી ગઈ છે.

બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી. દોડી દોડી ઘેર આવે છે. જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘુઘવાટા કરે છે, અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે.

હાય હાય ! હું હત્યારી ! હું ગોઝારી ! મેં નોળિયાને મારી નાખ્યો. જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો.

એવાં કલ્પાંત કરતી બાઈ તો ઊંબરે માથું મેલીની સૂતી છે. રોતાં તોતાં નીંદરમાં પડી છે. બાઈની તો આંખ મળી ગઈ છે.

ત્યાં તો કેડ-ભાંગલ નોળિયો ઢરડાતો ઢરડાતો, બીતો બીતો, ખાળમાં પેસીને ઘરની માલીપા આવ્યો છે. ભાઈ વિના એને શે ગમે? માના ખોળામાં રમ્યા વિના એનાથી શે જીવાય ! આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે.

ભળકડું થયું ને બાઈ તો જાગી છે. રોઈ રોઈને બાઈની તો આંખો સૂઝી ગઈ છે. અંધારે અંધારે એણે તો છાશ રેડી છે. ફળફળતું ઊનું પાણી નાખ્યું છે. જીવ બળતો'તો ને મંડી છે જોરથી તાણવા.

ઘમમમ ! ઘમમ ! રવાઈ ઘૂમવા માંડી છે. છાશ થઈ ગઈ છે. પણ જ્યાં બાઈ માખણ ઉતારે, ત્યાં તો માલીપા નોળિયાના કટકે કટકા!

અરરર ! અધૂરું હતું તે મેં પાપણીએ પુરું કર્યું !

માથે ઈંઢોણી, છાશની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે, ઊભે વગડે દોડી જાય છે. શ્વાસમાં ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ-ભાદરવો હાલ્યાં જાય છે.

અંતરિયાળ એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે "બાઈ બાઈ, ક્યાં દોડી જાછ?"

"હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા ને નીકર મારો ને આ છોકરાનો દેહ પાડી નાખવા."

"મારું માથું જોતી જઈશ?"

"લ્યોને માડી, હવે મારે તો આથમ્યા પછી અસૂર શું ? હું તો મરવા જ જાઉં છું ને."